મહીસાગર જિલ્લામાં પંચાયત માર્ગ અને મકાન (R&B) વિભાગની ત્વરિત કામગીરી: ભારે વરસાદથી ધોવાયેલા માર્ગનું તાત્કાલિક સમારકામ પૂર્ણ

બાલાસિનોર-રાજપુર-સાકરીયા-કોતરબોર રોડનું સત્વરે સમારકામ થતાં વાહનવ્યવહાર સરળ અને સુરક્ષિત બન્યો

મહીસાગર જિલ્લામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદને પગલે જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણપણે એલર્ટ છે અને નાગરિકોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે માટે સતત કાર્યરત છે. વરસાદને કારણે રોડ-રસ્તાઓને થતા નુકસાનને પહોંચી વળવા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે.

મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાંથી પસાર થતા બાલાસિનોર – રાજપુર – સાકરીયા – કોતરબોર રોડ ઉપર ભારે વરસાદને કારણે રોડના સાઇડ શોલ્ડરનું મોટા પાયે ધોવાણ થઈ ગયું હતું. રસ્તાની બાજુનું ધોવાણ થવાથી વાહનચાલકો માટે અકસ્માતનો ભય ઊભો થયો હતો અને વાહનવ્યવહાર પ્રભાવિત થાય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી.

આ બાબતની જાણ થતાં જ જિલ્લાના પંચાયત માર્ગ અને મકાન (R & B) વિભાગ દ્વારા જરાય વિલંબ કર્યા વિના ત્વરિત કામગીરી હાથ ધરવામાં આવી હતી. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે સાઇડ શોલ્ડર ભરવાની અને મરામતની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને તેને સત્વરે પૂર્ણ પણ કરી દેવામાં આવી છે.

પંચાયત R & B વિભાગની આ સમયસૂચકતા અને ઝડપી કામગીરીના પરિણામે આ માર્ગ પરનો વાહનવ્યવહાર પૂર્વવત, સરળ અને એકદમ સુરક્ષિત બની ગયો છે. તંત્રની આ સક્રિયતાથી સ્થાનિક નાગરિકો અને રોજેરોજ પસાર થતા વાહનચાલકોએ મોટી રાહત અનુભવી છે.