
પંચમહાલ જીલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. ગોધરા સહિત જીલ્લાના તમામ તાલુકાઓમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
આ વરસાદથી ખેતરોમાં પાણીની સારી આવક થઈ છે, જેના પરિણામે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખરીફ પાક માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાતા સારા ઉત્પાદનની આશા વધુ મજબૂત બની છે. મેઘમહેરને પગલે જીલ્લાના અનેક વિસ્તારોમાં હરિયાળી છવાઈ ગઈ છે અને લોકોને પણ ગરમીથી રાહત મળી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી દિવસોમાં પણ જીલ્લામાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે.