
મહીસાગર જીલ્લાના પ્રાથમિક શિક્ષકો માટે જીલ્લા ફેર બદલી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. લુણાવાડા ખાતે યોજાયેલા આ બીજા તબક્કાના કેમ્પમાં અનેક શિક્ષકોને પોતાના વતન અથવા નજીકના વિસ્તારમાં બદલીનો લાભ મળ્યો હતો. જીલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન અને જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની ઉપસ્થિતિમાં નિમણૂક હુકમો એનાયત કરાયા હતા.
આ કેમ્પ લુણાવાડા સ્થિત બીઆરસી ભવન ખાતે ઓફલાઇન પદ્ધતિથી યોજાયો હતો. જીલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્ર દામા અને જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કૃપા ઝા આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. જીલ્લામાં કુલ ૧૧૧ ખાલી જગ્યાઓ હતી, જેના માટે ૬૩૭ શિક્ષકોને બોલાવવામાં આવ્યા હતા. તેમાંથી ૯૫ શિક્ષકો કેમ્પમાં હાજર રહ્યા હતા. હાજર રહેલા શિક્ષકોને તેમની પસંદગી અને નિયમો અનુસાર જીલ્લાની વિવિધ શાળાઓમાં બદલીના નિમણૂક હુકમો આપવામાં આવ્યા હતા.
પોતાના વતન અથવા નજીકના વિસ્તારમાં સેવા આપવાનો અવસર મળતા શિક્ષકોમાં સંતોષનો ભાવ જોવા મળ્યો હતો. ચેરમેન નરેન્દ્ર દામા અને પ્રાથમિક શિક્ષણાધિકારી કૃપા ઝાના હસ્તે શિક્ષકોને નિમણૂક હુકમો અર્પણ કરાયા હતા.
આ પ્રસંગે જીલ્લા શિક્ષક સંઘ, શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારો અને શિક્ષણ વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. જીલ્લા ફેર બદલી કેમ્પનું સમગ્ર આયોજન સુચા અને સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું.