
બોડેલીની ખત્રી વિદ્યાલય અને એમ.ડી.આઈ.માં ગૌરીવ્રત નિમિત્તે ભાઈચારાનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું હતું. ૨૭ જુલાઈથી શ થયેલા ગૌરીવ્રત દરમિયાન, મુસ્લિમ વિદ્યાર્થીનીઓએ પોતાના ખર્ચે હિન્દુ વિદ્યાર્થીનીઓના હાથમાં મહેંદી મૂકી શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે ધર્મ ભલે અલગ હોય, પરંતુ માનવતા, પ્રેમ અને ભાઈચારો સૌને એકસાથે જોડે છે, તેવો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો. મુસ્લિમ અને હિન્દુ વિદ્યાર્થીનીઓ વચ્ચેના આ સ્નેહભર્યા વાતાવરણથી શાળામાં એકતા અને સૌહાર્દની ભાવના વધુ મજબૂત બની હતી.
શાળાના આચાર્ય યુ.વાય. ટપલાએ પ્રાર્થના સભામાં ગૌરીવ્રતનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, ગૌરીવ્રત શ્રદ્ધા, ભક્તિ અને સંયમનું પ્રતીક છે, જે જીવનમાં સદાચાર, ધીરજ અને આત્મનિયંત્રણ જેવા ગુણોનો વિકાસ કરે છે. તેમણે વ્રત કરતી તમામ વિદ્યાર્થીનીઓને શાળા પરિવાર વતી શુભેચ્છાઓ પાઠવી હતી.
કાર્યક્રમના અંતે, વિવિધ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓના નામ જાહેર કરીને તેમને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ ભાઈચારા, પ્રેમ અને કોમી એકતાનો સુંદર સંદેશ આપનારો બન્યો હતો.