ભવાની એજન્સી નામની દુકાનમાંથી રોકડ સહિત રૂપિયા ૬.૩૧ લાખની મત્તાનો હાથફેરો કરી ગયા
દાહોદ તાલુકા ના રળિયાતી ગામે સાંગા ફળિયામાં બનેલ ઘરફોડ ચોરીની ઘટનામાં તસ્કરો ભવાની એજન્સી નામની દુકાનમાંથી રોકડ પાન મસાલા તથા જર્દાના બોરા તેમજ જુદી જુદી બ્રાન્ડનીસિગરેટના ડંડા વગેરે મળી રૂપિયા ૬.૩૧ લાખની મત્તાનો હાથફેરો કરી ગયાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર ગત તારીખ ૨૦-૭-૨૦૨૬ ના રોજ રાત્રિના સમયે દાહોદ તાલુકાના રળિયાતી ગામે સાંગા ફળિયામાં ત્રાટકેલા તસ્કરોએ દાહોદના ગોદી રોડ, પશુપતિનાથ નગર સામે, ભવાની પેલેસમાં રહેતા ભગવાનદાસ લીલારામ ઉદવાનીની રળીયાતી સાંગા ફળિયામાં આવેલ
ભવાની એજન્સી નામની દુકાનને નિશાન બનાવી હતી અને ધાબાના રસ્તે થી દુકાનમાં ઊતરી દુકાનમાં મુકેલ ટેબલના ખાનામાંથી રૂપિયા ૩૦,૦૦૦/-ની રોકડ, રૂપિયા ૫,૬૧,૦૦૦/-ની કિંમતના વિમલ પાન મસાલાના અને જર્દા(તમાકુ) ના બોરા નંગ-૪૪ તથા રૂપિયા ૪૦,૦૦૦/-ની કુલ કિંમતના નેશનલબ્રાન્ડ તેમજ ક્રક્સ બ્રાન્ડની સિગારેટના ડંડા નંગ-૨૬ મળી રૂપિયા ૬,૩૧,૦૦૦/-ની મત્તા ચોરીને લઈ ગયા હતા. આ ચોરીનો બનાવ બન્યા બાદ દુકાન માલિક ભગવાનદાસ લીલા રામ ઉદવાનીએ પોતાની દુકાનમાં લગાવેલ સીસીટીવી ચેક કર્યા હતાં, અને ત્યારબાદ તેઓની દુકાનમાં રહેલ સ્ટોકની ગણતરી કરી હતી. જેમાં સ્ટોક ઓછો મળતાં તેઓને પોતાની દુકાનમાં ચોરી થઈ હોવાનું જણાઈ આવતાં તેઓએ આ સંબંધે દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ઘરફોડ ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે