ગુલતોરા આરોગ્ય વિભાગની સતર્કતાથી જન્મજાત ખોડખાંપણ ધરાવતા નવજાતનું સફળ ઓપરેશન

આરબીએસકે ટીમની સમયસર કામગીરીથી નવજાતને તાત્કાલિક સારવાર મળી

ઝાલોદ તાલુકાના ગુલતોરા ગામની રહેવાસી શ્રીમતી જશોદાબેન સુરેશભાઈ નિસરતાના ઘરે તા. ૦૪/૦૭/૨૦૨૬ના રોજ મહીપ હોસ્પિટલ, ઝાલોદ ખાતે પ્રસૂતિ થઈ હતી. પ્રસૂતિ બાદ નવજાત બાળકમાં Imperforate Anus (Anorectal Malformation – ARM) નામની જન્મજાત ખોડખાંપણ હોવાનું નિદાન થયું હતું.

આ અંગેની જાણ થતાં જ દાહોદ જિલ્લા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય તિલાવટ તથા ઝાલોદ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. તુષાર ભાભોરના માર્ગદર્શન હેઠળ ગુલતોરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આરબીએસકે ટીમ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી.

પીએચસીના તબીબ ડૉ. મહેશ ગણાવા, આરબીએસકે ટીમ તથા એમપીએચએસ અતુલભાઈના સહયોગથી બાળકના વાલીઓને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બાળકને વધુ સારવાર માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યું હતું.

ત્યાં જરૂરી તબીબી તપાસ અને સારવાર બાદ તા. ૦૬/૦૭/૨૦૨૬ના રોજ નવજાત બાળકનું સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું હતું.

એનોરેક્ટલ ખોડખાંપણ (Anorectal Malformation – ARM) એ એક પ્રકારની જન્મજાત સ્થિતિ છે, જેમાં નવજાત બાળકના ગુદા અને ગુદામાર્ગનો વિકાસ સામાન્ય રીતે થતો નથી.

આ સ્થિતિમાં ગુદાનું મુખ સંપૂર્ણપણે ન હોવું, ગુદાનું યોગ્ય સ્થાને ન હોવું અથવા ગુદામાર્ગનો ગુદા સાથે યોગ્ય જોડાણ ન હોવું જેવી સમસ્યાઓ જોવા મળી શકે છે.

આ ખોડખાંપણની ગંભીરતા દરેક બાળકમાં અલગ હોઈ શકે છે. કેટલાક કિસ્સાઓમાં સ્થિતિ હળવી હોય છે, જ્યારે કેટલાક કિસ્સાઓમાં ગુદાનું મુખ સંપૂર્ણપણે બંધ હોય છે. આવી સ્થિતિમાં વહેલું નિદાન અને તાત્કાલિક સારવાર અત્યંત જરૂરી બને છે.

સામાન્ય લક્ષણો : નવજાત બાળકમાં નીચેના લક્ષણો જોવા મળી શકે છે

:ગુદાનું મુખ ન હોવું અથવા અસામાન્ય રીતે વિકસિત હોવું

મળ પસાર કરવામાં મુશ્કેલી

પેટ ફૂલવું

કબજિયાત અથવા આંતરડાની ગતિવિધિમાં મુશ્કેલી

ગુદાનું અસામાન્ય સ્થાને હોવું

કેટલાક કિસ્સાઓમાં પેશાબ અથવા પ્રજનન તંત્ર સાથે જોડાયેલી અન્ય જન્મજાત ખોડખાંપણ

સારવારમાં સર્જરી મહત્વપૂર્ણ

એનોરેક્ટલ ખોડખાંપણની સારવાર બાળકમાં રહેલી ખોડખાંપણના પ્રકાર અને ગંભીરતા પર આધારિત હોય છે. સામાન્ય રીતે તબીબી નિષ્ણાતોની સલાહ મુજબ સર્જિકલ સારવાર કરવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં કોલોસ્ટોમી કરવામાં આવી શકે છે, જ્યારે યોગ્ય કિસ્સાઓમાં એનોરેક્ટલ રિકન્સ્ટ્રક્શન સર્જરી દ્વારા ગુદા અને ગુદામાર્ગને કાર્યક્ષમ બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.

વહેલું નિદાન અને સમયસર સારવારથી સફળ પરિણામ

એનોરેક્ટલ ખોડખાંપણ જેવી જન્મજાત સ્થિતિમાં વહેલું નિદાન, યોગ્ય માર્ગદર્શન અને સમયસર સારવાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. ગુલતોરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબ, આરબીએસકે ટીમ અને એમપીએચએસની સમયસર કામગીરી તથા યોગ્ય માર્ગદર્શનના કારણે નવજાત બાળકને તાત્કાલિક ઉચ્ચ સારવાર મળી અને તેનું સફળ ઓપરેશન શક્ય બન્યું.

આ ઘટનાથી આરબીએસકે જેવી આરોગ્ય સેવાઓ દ્વારા નવજાત બાળકોમાં જન્મજાત ખોડખાંપણનું વહેલું નિદાન અને સમયસર સારવાર માટેની આરોગ્ય વ્યવસ્થાની મહત્વપૂર્ણ ભૂમિકા પણ ઉજાગર થાય છે.