મહીસાગર જિલ્લાના મોટા સોનેલા ગામે ખેડૂત-વૈજ્ઞાનિક સંવાદ યોજાયો: ઓછા વરસાદની સ્થિતિમાં ખેતી બચાવવા અપાયું માર્ગદર્શન

વરસાદની અછત સામે લડવા ખેડૂતોને સજ્જ કરતું કૃષિ તંત્ર: વૈજ્ઞાનિકોએ પ્રાકૃતિક ખેતી અને બાગાયત દ્વારા સમૃદ્ધિનો રાહ ચીંધ્યો

મહીસાગર,૨૧ જુલાઇ:: હાલના સમયમાં જ્યારે વરસાદની ખેંચ વર્તાઈ રહી છે અને જરૂરિયાત કરતા ઘણો ઓછો વરસાદ થવાને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયો છે, ત્યારે આ કપરી પરિસ્થિતિમાં ખેતીને કેવી રીતે ટકાવી રાખવી તે હેતુથી મહીસાગર જિલ્લાના મોટા સોનેલા ગામે એક વિશેષ ખેડૂત-વૈજ્ઞાનિક વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું. આત્મા પ્રોજેક્ટ મહીસાગર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ખેડૂતોને ઓછામાં ઓછું પાણી અને ઉપલબ્ધ કુદરતી સંસાધનોનો મહત્તમ ઉપયોગ કરીને ખેતી પદ્ધતિ અપનાવવા માટે વૈજ્ઞાનિક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. વાવણી પૂર્વે યોજાયેલા આ સંવાદમાં વરસાદના અભાવે ઉભી થનારી અછત સામે કઈ રીતે લડવું અને ઓછા પાણીમાં પણ કાર્યક્ષમ ખેતી કેવી રીતે કરવી તે અંગે ગહન ચર્ચા કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત વેજલપુર કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક શ્રી જયપાલ સિંહે બદલાતી જતી આબોહવાની પરિસ્થિતિમાં ખેડૂતોને અનુકૂળ થવા અનુરોધ કર્યો હતો. તેમણે ખાસ કરીને પ્રાકૃતિક ખેતીના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે ઓછા વરસાદમાં બાગાયતી પાકો અને અન્ય સતત ઉત્પાદન આપતા પાકો ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે. તેમણે જમીનનું સ્વાસ્થ્ય સુધારવા અને ઓછી માવજતે સારું ઉત્પાદન આપતા વિવિધ પાકોની પસંદગી અંગે ખેડૂતોને તકનીકી વિગતો પૂરી પાડી હતી.

ખેતીવાડી વિભાગના મદદનીશ ખેતી નિયામક શ્રી મહેશભાઈ પટેલે ખેડૂતોને કઠોળ વર્ગના પાકોનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ઓછા વરસાદની સ્થિતિમાં કઠોળ પાકો માત્ર જમીનની ફળદ્રુપતા જ નથી વધારતા પરંતુ તેનું મૂલ્યવર્ધન કરીને ખેડૂતો આર્થિક રીતે વધુ સદ્ધર બની શકે છે. તેમણે પદ્ધતિસરના વાવેતર અને ખેતી ખર્ચ ઘટાડવાની વિવિધ તરકીબો રજૂ કરી હતી. આ સાથે જ કામધેનુ યુનિવર્સિટીમાંથી ઉપસ્થિત રહેલા શ્રી ભાવિનભાઈ પટેલે પશુપાલન ક્ષેત્રે વૈજ્ઞાનિક અભિગમ કેળવવા પર ભાર મૂક્યો હતો. તેમણે આદર્શ પશુપાલન, પશુઓમાં થતા રોગો અને તેનું નિવારણ તેમજ દૂધ ઉત્પાદન જાળવી રાખવા માટે જરૂરી પશુ આહાર અને માવજત અંગે પાયાનું માર્ગદર્શન આપ્યું હતું.

સમગ્ર આયોજન અંગે માહિતી આપતા આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટરશ્રીએ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને ‘આત્મા’ પ્રોજેક્ટ દ્વારા ખેડૂતોના હિતમાં ચલાવવામાં આવતી પ્રવૃત્તિઓની વિગતવાર માહિતી આપી હતી. આ કાર્યક્રમની વિશેષતા એ હતી કે તેમાં મહીસાગર જિલ્લાના તમામ તાલુકાઓમાંથી પ્રગતિશીલ ખેડૂત મિત્રો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય અહીં પ્રાપ્ત થયેલું માર્ગદર્શન દરેક તાલુકાના અંતરિયાળ ગામોના ખેડૂતો સુધી પહોંચાડવાનો છે, જેથી સમગ્ર જિલ્લાનો ખેડૂત ઓછા વરસાદની સ્થિતિમાં પણ આત્મનિર્ભર બની વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરી શકે.