
મહિસાગર જિલ્લાના વિરપુર ગ્રામ પંચાયતે જાહેર માર્ગો અને ફુટપાથ પર થયેલા ગેરકાયદેસર દબાણો સામે સખ્ત કાર્યવાહી શ કરી છે. માનવ સેવા મંદિરથી વિરાજી સર્કલ સુધીના વિસ્તારમાં દુકાનોની આગળ બનાવવામાં આવેલા લોખંડ, પતરા અને પ્લાસ્ટિકના શેડ, છાપરા તેમજ ફુટપાથ પર ઉભી રાખવામાં આવતી લારીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે. પ્રથમ તબકકામાં ૩૭ દબાણકારોને નોટિસ આપી હતી. ત્યારબાદ વધુ ૧૭ નોટિસ ફટકારતા અત્યાર સુધીમાં કુલ ૫૪ દબાણકારોને નોટિસ આપી છે. નોટિસમાં ૭ દિવસની અંદર સ્વખર્ચે દબાણ દુર કરવાની ચેતવણી આપી છે.
જો સમયમર્યાદામાં દબાણો દુર નહિ કરવામાં આવે તો ગ્રામ પંચાયત દ્વારા દબાણ હટાવીને તેનો ખર્ચ સંબંધિત દબાણકારો પાસેથી વસુલશે. સ્થાનિકોનુ કહેવુ છે કે, માનવ સેવા મંદિરથી વિરાજી સર્કલ સુધીના ફુટપાથ પર અંદાજે ૨૦૦થી વધુ નાના વેપારીઓ અને લારી ધારકો ધંધો કરે છે. જયારે અત્યાર સુધીમાં માત્ર ૫૪ જેટલા જ વેપારીઓને નોટિસ આપી છે. આ સ્થિતિને લઈ વેપારીઓમાં ચર્ચા ચાલી રહી છે કે, તમામ દબાણકારો સામે એકસરખી કાર્યવાહી થશે કે પછી પસંદગીના આધારે નોટિસ આપવામાં આવી રહી છે. કેટલાક વેપારીઓએ તો એવો પણ સવાલો ઉઠાવ્યો છે કે, શુ ફુટપાથ ખાલી કરાવવાની કાર્યવાહીમાં કોઈ પ્રકારની પક્ષપાતભરી નિતી અપનાવવામાં આવી રહી છે…?જોકે આ અંગે વિરપુર ગ્રામ પંચાયત તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી. હવે આગામી દિવસોમાં બાકી દબાણકારો સામે પણ કાર્યવાહી કરવામાં આવે છે કેમ…અને સાત દિવસ બાદ વાસ્તવિક દબાણ કરવાની કામગીરી હાથ ધરાય છે કે નહિ તેના પર સોૈની નજર મંડાઈ છે.