ગોધરા રેલવે સ્ટેશને ખાતે દરભંગા થી અમદાવાદ જતી અંત્યોદય એક્સપ્રેસમાં બાળમજૂરી માટે લવાયેલા ૬ સગીર બાળકોનું રેસ્કયુ કરાયું

ગોધરા રેલવે સ્ટેશન ખાતે દરભંગા થી અમદાવાદ જઈ રહેલી અંત્યોદય એક્સપ્રેસ ટ્રેનમાંથી છ સગીર બાળકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. આ બાળકોને બાળ મજૂરી કરાવવાના ઈરાદે બિહારથી ગુજરાત લાવવામાં આવી રહ્યા હતા. ગોધરા બાળ સુરક્ષા એકમ અને ચાઈલ્ડ હેલ્પલાઈન દ્વારા આ સફળ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

ચાઈલ્ડ હેલ્પલાઈનના ટોલ ફ્રી નંબર ૧૦૯૮ પર એક ગુપ્ત માહિતી મળી હતી કે, અંત્યોદય એક્સપ્રેસ ટ્રેન મારફતે કેટલાક બાળકોને બિહારથી ગુજરાતમાં બાળ મજૂરી માટે લઈ જવામાં આવી રહ્યા છે. આ માહિતીના આધારે, બાળ સુરક્ષા વિભાગની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી.વિભાગની ટીમ રાત્રિના ૩ વાગ્યે ગોધરા રેલવે સ્ટેશન પહોંચી હતી. રેલવે જી.આર.પી. અને આર.પી.એફ. પોલીસ ટીમને સાથે રાખીને ટ્રેનના અલગ-અલગ કોચમાં તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં છ સગીર બાળકો મળી આવ્યા હતા.

પ્રાથમિક તપાસ મુજબ, આ તમામ બાળકોને બિહારથી ગુજરાતમાં બાળ મજૂરી કરાવવાના ઈરાદે લાવવામાં આવી રહ્યા હતા. રેસ્ક્યૂ કરાયેલા તમામ બાળકોને હાલ સુરક્ષિત રીતે બાળ ગૃહ ખાતે મોકલી દેવામાં આવ્યા છે. બાળ સુરક્ષા વિભાગ દ્વારા આ સમગ્ર રેકેટ પાછળ કોનો હાથ છે અને બાળકોને ક્યાં લઈ જવાના હતા તે દિશામાં સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.