
પંચમહાલ જીલ્લામાં લાંબા સમયની રાહ જોયા બાદ ખેતીલાયક વરસાદ વરસ્યો છે. આ વરસાદથી ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છે. જીલ્લામાં અત્યાર સુધીમાં સિઝનનો અંદાજે ૩૦ ટકા જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જેના પગલે ખેડૂતોએ ખરીફ પાકની વાવણીના કાર્યો શરૂ કરી દીધા છે.
ચાલુ ખરીફ સિઝનમાં પંચમહાલ જીલ્લામાં કુલ ૧ લાખ ૭૧ હજાર હેક્ટર જેટલો સંભવિત વાવેતર વિસ્તાર આવેલો છે. આ વિસ્તારમાં મુખ્યત્વે મકાઈ, ડાંગર, સોયાબીન, ઘાસચારો, કપાસ અને તુવેર જેવા પરંપરાગત પાકોનું મોટાપાયે વાવેતર કરવામાં આવે છે.
જીલ્લામાં અત્યાર સુધી થયેલા વાવેતરના આંકડા મુજબ, વરસાદની શઆત સાથે જ ખેડૂતોએ મકાઈનું ૧૦,૬૩૪ હેક્ટરમાં, તુવેરનું ૨,૯૧૨ હેક્ટરમાં, બાજરીનું ૧,૮૬૧ હેક્ટરમાં, સોયાબીનનું ૯૫૬ હેક્ટરમાં અને શાકભાજીનું ૨,૫૬૯ હેક્ટર વિસ્તારમાં વાવેતર પૂર્ણ કરી દીધું છે. આમ, જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૨૪,૬૪૬ હેક્ટર જેટલા વિસ્તારમાં ખરીફ પાકોનું સફળતાપૂર્વક વાવેતર થઈ ચૂક્યું છે.
કૃષિ નિષ્ણાતોના મતે, જો આગામી દિવસોમાં પણ ગત વર્ષની જેમ સારો વરસાદ જળવાઈ રહેશે, તો વાવેતર વિસ્તારમાં હજુ પણ મોટો વધારો થવાની પ્રબળ શક્યતાઓ છે. જો વરસાદની મહેરબાની આવી જ રીતે ચાલુ રહેશે, તો પંચમહાલના ખેડૂતો આ વર્ષે બમ્પર ઉત્પાદન મેળવે તેવી આશા સેવાઈ રહી છે.