મોરવા (હ)ના ધારાસભ્યના હસ્તે નાના ભામૈયામાં નવા આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ

પંચમહાલ જીલ્લાના મોરવા હડફ વિધાનસભા વિસ્તારના નાના ભામૈયા ગામ ખાતે નવનિર્મિત આંગણવાડી કેન્દ્ર-૩નું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ કેન્દ્રનું ઉદ્ઘાટન ધારાસભ્ય નિમિષાબેન સુથારના હસ્તે થયું હતું.

આ આધુનિક આંગણવાડી કેન્દ્ર બાળકોના સર્વાંગી વિકાસ, પોષણ અને પ્રાથમિક શિક્ષણને સુદૃઢ બનાવવાના હેતુથી બનાવવામાં આવ્યું છે. તેના દ્વારા ગામના નાના બાળકોને વધુ સારી શૈક્ષણિક અને પોષણ સંબંધિત સુવિધાઓ મળશે.

આ પ્રસંગે ધારાસભ્ય નિમિષાબેન સુથારે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર બાળકોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે. ગ્રામ્ય વિસ્તારોમાં ગુણવત્તાયુક્ત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે સરકાર સતત પ્રયાસ કરી રહી છે. લોકાર્પણ કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો, ગ્રામજનો, આંગણવાડી કાર્યકરો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ નવું આંગણવાડી કેન્દ્ર ગ્રામ્ય વિસ્તારના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે મહત્વપૂર્ણ સાબિત થશે.