
ગોધરાના દાહોદ રોડ પર છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા રોડ નિર્માણ કાર્યને કારણે વાહનચાલકો ભારે ટ્રાફિક જામનો સામનો કરી રહ્યા છે. આ કામગીરીના લીધે વાહનવ્યવહાર માટે માત્ર એક જ માર્ગ ખુલ્લો રખાતા વાહનચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે.
શહેરના આ મુખ્ય માર્ગ પર નવા રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે. જેના કારણે મોટાભાગનો રસ્તો બંધ કરી દેવાયો છે અને વાહનોની અવરજવર એક જ લેનમાંથી થઈ રહી છે. આ વ્યવસ્થાને કારણે ટ્રાફિક ધીમો પડી જાય છે અને લાંબી કતારો સર્જાય છે.

દાહોદ રોડ શહેરનો એક અત્યંત વ્યસ્ત માર્ગ છે. આ વિસ્તારમાં મોલ, શોમ, વિવિધ કેફે, હોટલ અને રેસ્ટોરન્ટ જેવા અનેક વ્યાપારી સંસ્થાનો આવેલા છે. પરિણામે, દિવસ દરમિયાન અહીં લોકોની અને વાહનોની મોટી અવરજવર રહે છે, જે ટ્રાફિક સમસ્યાને વધુ ગંભીર બનાવે છે.
એક જ માર્ગ પરથી વાહનવ્યવહાર ચાલતો હોવાથી ચારચક્રી વાહનો, બાઈક અને અન્ય વાહનોની લાંબી કતારો જોવા મળે છે. ટ્રાફિક જામના કારણે લોકોને લાંબા સમય સુધી રસ્તા પર અટવાઈ રહેવાની ફરજ પડે છે, જેનાથી સમયનો વ્યય થાય છે અને અગવડતા પડે છે.
સ્થાનિક રહેવાસીઓ અને વાહનચાલકો દ્વારા રોડ નિર્માણની કામગીરી ઝડપથી પૂર્ણ કરવાની માંગ કરવામાં આવી રહી છે. તેમની અપેક્ષા છે કે કામગીરી વહેલી તકે પૂરી થાય જેથી આ વ્યસ્ત માર્ગ પરની ટ્રાફિક સમસ્યામાંથી રાહત મળે અને લોકોને સરળ અવરજવરનો લાભ મળી શકે.