બાલાસિનોરના બોડોલીમાં વેસ્ટ કેમિકલ ડમ્પિંગનો આક્રોશ : આપ નેતા યુવરાજસિંહ જાડેજાએ કરી સ્થળ મુલાકાત

બાલાસિનોર તાલુકાના બોડોલી ખાતે આવેલી વેસ્ટ કેમિકલ ડમ્પિંગ સાઇટ છેલ્લા ઘણા સમયથી સ્થાનિકો માટે ગંભીર આફત બની ચૂકી છે. આ ડમ્પિંગ સાઇટના કારણે સમગ્ર વિસ્તારનું પર્યાવરણ અને લોકોનું આરોગ્ય જોખમાયું છે, જેને પગલે સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ગંભીર જનસમસ્યાને વાચા આપવા માટે આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા યુવરાજસિંહ જાડેજાએ બોડોલીની ડમ્પિંગ સાઇટની રૂબરૂ મુલાકાત લીધી હતી અને સ્થાનિકોની મુશ્કેલીઓ જાણી ન્યાયની ખાતરી આપી હતી.

આ વેસ્ટ કેમિકલ ડમ્પિંગ સાઇટના કારણે આસપાસના વિસ્તારના ભૂગર્ભ જળ સંપૂર્ણપણે દૂષિત થઈ ગયા છે. કૂવા અને બોરવેલમાંથી પીવાલાયક પાણીના બદલે કેમિકલયુક્ત ‘લાલ પાણી’ આવી રહ્યું છે. યુવરાજસિંહ જાડેજાએ પણ મીડિયા સમક્ષ આ લાલ પાણી ભરેલી બોટલો બતાવીને તંત્રની લાપરવાહી ખુલ્લી પાડી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ પ્રદૂષિત પાણીનો વપરાશ કરવાના કારણે સ્થાનિક રહીશો અને ખાસ કરીને બાળકોમાં ચામડીના ગંભીર રોગો ફાટી નીકળ્યા છે.”આ કંપનીના પાપે નિર્દોષ ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો કેમ ભોગ બને? કંપનીના આ કૃત્યથી સમગ્ર વિસ્તારનું ભૂગર્ભ જળ ઝેરી બની ગયું છે અને લોકોને આ પાણી પીવા મજબૂર થવું પડી રહ્યું છે.”

આપ નેતા યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, તેઓ આ મામલે બાલાસિનોરના પ્રાંત અધિકારી અને જીપીસીબી ના રિઝીયોનલ ઓફિસરને રૂબરૂ મળીને લેખિત ફરિયાદ સોંપશે. વધુમાં તેમણે ચીમકી ઉચ્ચારતા કહ્યું કે આ કેમિકલયુક્ત લાલ પાણીની બોટલો તેઓ અધિકારીઓ સમક્ષ રજૂ કરશે અને તેમને આ પાણી પીવા માટે કહેશે, જેથી અધિકારીઓને ભાન થાય કે સ્થાનિક જનતા કેવા નરકાગારમાં જીવી રહી છે. જો આગામી દિવસોમાં આ સાઇટ બંધ નહીં થાય, તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચર્ચા થઈ રહી છે.

આ ડમ્પિંગ સાઇટને તાત્કાલિક ધોરણે બંધ કરાવવા માટે સ્થાનિક લોકો લાંબા સમયથી લડત ચલાવી રહ્યા છે. ગ્રામ પંચાયતથી લઈને ગાંધીનગર વિધાનસભા સુધી આ મામલે લેખિત રજૂઆતો કરવામાં આવી છે. સ્થાનિક કક્ષાએથી અત્યાર સુધીમાં ૧૦૦૦થી વધુ આવેદનપત્રો પણ આપવામાં આવ્યા છે. તેમજ અનેક આંદોલનો તેમજ સરકારી તંત્ર અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા માત્ર પાણી અને માટીના સેમ્પલ લેવા સિવાય કોઈ નક્કર કે કડક કાર્યવાહી કરવામાં આવી નથી જેથી લોકોમાં વહીવટી તંત્ર સામે ભારે નારાજગી છે.