ફતેપુરા તાલુકા પંચાયતમાં સત્તા માટે બળવાખોરોનો ટેકો લેવા આક્રોશ

ફતેપુરા તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની ચુંટણી બાદ સ્થાનિક રાજકારણમાં એકાએક ગરમાવો આવી ગયો છે. સત્તા મેળવવા માટે ભાજપ સામે જ બળવો કરી સલરા-૧ બેઠક પરથી અપક્ષ ચુંટાયેલા ઉમેદવાર અજય પારગીનો ટેકો લેવા મુદ્દે ભાજપ સંગઠનમાં આંતરિક ભડકો થયો છે.

પક્ષ સાથે ગદ્દારી કરનાર બળવાખોર ઉમેદવારને સાચવવાના આ નિર્ણયથી વફાદાર કાર્યકરોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. આ ખેંચતાણ એટલી હદે વધી ગઈ કે, સ્થાનિક નેતાઓ અને અપક્ષ ઉમેદવારો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ધર્ષણ થયુ હતુ. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ભાજપની આંતરિક શિસ્તના ધજાગરા ઉડ્યા છે. વફાદાર કાર્યકરો ખુલ્લેઆમ સવાલ ઉઠાવી રહ્યા છે કે, શુ સત્તા માટે પક્ષે આટલી મજબુરી બતાવવી પડે.

ભાજપના આ આંતરિક કલહ અને જુથબંધીના કારણે વિપક્ષના બેઠા બેઠા સત્તા લાલસા પર પ્રહારો કરવાનો મોટો રાજકિય મુદ્દો મળી ગયો છે. હવે જોવાનુ રહેશે કે, ભાજપ હાઈકમાન્ડ આ બળવાખોરોને સાચવશે કે પછી કાર્યકરોના રોષને શાંત કરવા કોઈ મોટો નિર્ણય લેશે…? આ વિવાદ પર સોૈની મીટ મંડાયેલી છે.