વિરપુરના ગંધારીથી ડેભારી કેનાલના સ્ટ્રકચરમાંથી પાણી લીકેજ થતાં રોડ ઉપર પાણી ઠલવાતા ડસ્ટ પાથરી મરામત કરાઈ

વિરપુરના ગંધારીથી ડેભારી કેનાલના સ્ટ્રકચરમાંથી પાણી લીકેજ થતાં રસ્તા પર ખાડાઓ પડ્યા હતા. આ બાબતે લોક માંગને લઈ કેનાલ વિભાગ હરકતમાં આવ્યુ હતુ. જેથી કેનાલ વિભાગે યુદ્ધના ધોરણે કવોરી ડસ્ટ પાથરી અંડરપાસમાં ખાડાઓની મરામત કરી હતી.

શિયાળા, ઉનાળામાં ખેડુતોને આ કેનાલ મારફતે પાણી અપાય છે. વિરપુર તાલુકાના ડેભારી ગંધારી રોડ પરથી આ કેનાલ પસાર થાય છે. ત્યાં કેનાલ નીચે અંડરપાસ સ્ટ્રકચર બનાવ્યુ છે. જયાં સ્ટ્રકચર છે તેની આસપાસ તેમજ તેના અંદરથી જ પાણી લીકેજ થાય છે. અંડરપાસમાં જયારે પાણી છોડાય છે. ત્યારે આ અંડરપાસની અંદર સતત પાણીનો બહાવ જોવા મળે છે. જેના લીધે રસ્તા પર પાણી ભરાય છે. તેમજ ખાડાઓ પડ્યા છે આનાથી વાહનચાલકોને હાલાકી પડે છે. આ બાબતે સ્થાનિક લોકોની માંગને લઈને કેનાલ વિભાગ હરકતમાં આવ્યુ હતુ. અને કવોરી ડસ્ટ નાંખી ખાડાઓ પુરવામાં આવ્યા હતા. ટુંક સમયમાં કેનાલનુ પાણી બંધ કરી રિપેરીંગની કામગીરી કરાશે. આ પ્રશ્ર્નનો કાયમી ધોરણે નિકાલ કરાશે.