ગુજરાતમાં ગરમી વચ્ચે વરસાદની આગાહી, અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના

ગુજરાતમાં એક તરફ ઉકળાટભરી ગરમી યથાવત છે તો બીજી તરફ હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારોમાં Rainની આગાહી કરી છે. હાલમાં સાયક્લોનિક સર્ક્‌યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જેવી બે હવામાનીય સિસ્ટમ સક્રિય થતાં આગામી દિવસોમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં પવન અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગના અનુમાન મુજબ સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે. દમણ, દાદરા અને નગર હવેલી, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં હળવાથી મધ્યમ Rainની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઉપરાંત કચ્છ, દીવ અને પોરબંદર સહિતના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.

બીજી તરફ રાજ્યમાં ગરમીનો પ્રકોપ હજુ યથાવત રહ્યો છે. ખાસ કરીને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં તાપમાન વધુ રહેવાની શક્યતા હોવાથી હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી છે. આજે રાજ્યના અનેક શહેરોમાં મહત્તમ તાપમાન ૪૦ થી ૪૧ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદમાં ૪૨.૨ ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેવાની શક્યતા છે, જ્યારે અમરેલીમાં ૪૧.૭ ડિગ્રી, ભાવનગરમાં ૪૧.૪ ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં ૪૧.૨ ડિગ્રી તાપમાનની શક્યતા છે. તેમજ ગાંધીનગરમાં ૪૦.૮ ડિગ્રી, વડોદરામાં ૪૦.૯ ડિગ્રી, રાજકોટમાં ૪૦.૬ ડિગ્રી અને ડીસામાં ૪૦.૧ ડિગ્રી તાપમાનની આગાહી કરાવામાં આવી છે. બીજી તરફ સુરતમાં તાપમાન ૩૫.૨ ડિગ્રી સેલ્સિયસ નોંધાઇ શકે છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં કેટલાક વિસ્તારોમાં વરસાદથી ગરમીમાં આંશિક રાહત મળી શકે છે, પરંતુ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ઉકળાટ અને ગરમીનું પ્રમાણ હજુ યથાવત રહેવાની શક્યતા છે.