સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનું અંધેર તંત્રઃ લગભગ ૧૦ હજાર ફાઇલ ગાયબ

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન વહીવટીતંત્રની ઘોર બેદરકારીને કારણે, મિલકત વેરા અને ટેન્ડર સંબંધિત ૯,૯૦૦ ફાઇલો રેકોર્ડ રૂમમાંથી ગાયબ થઈ ગઈ છે.

આ ફાઇલો ખોવાઈ જવાથી કોન્ટ્રાક્ટરોના ૧૭૦ કરોડના સુરક્ષા ચેક અટકી ગયા છે. કોર્ટ કેસ અને ટેક્સ વસૂલાતને પણ અસર થઈ રહી છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ આ મામલાની તપાસ કરી રહ્યું છે. કોન્ટ્રાક્ટરો દ્વારા પૂરી પાડવામાં આવતી સિક્યોરિટી ડિપોઝિટના ચેક મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષોથી રોકી રાખવામાં આવી છે. કોન્ટ્રાક્ટરોએ તેમની પરત માંગણી કરી ત્યારે આ મામલો પ્રકાશમાં આવ્યો.

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના અત્યંત સંવેદનશીલ રેકોર્ડ રૂમમાંથી ૧૯૮૦ થી ચાલી આવતી બધી ફાઇલો ગાયબ થઈ જવાથી વહીવટીતંત્રમાં ખળભળાટ મચી ગયો છે. આમ આદમી પાર્ટીએ આ મુદ્દો ઉઠાવ્યો છે અને મ્યુનિસિપલ કોર્પોરેશન વહીવટીતંત્ર અને શાસક ભાજપને દોષી ઠેરવ્યા છે. આ ફાઇલો મિલકત વેરા, મકાન પરમિટ અને ટેન્ડર સંબંધિત હોવાનું કહેવાય છે. આનાથી કોર્ટ કેસ અને ટેક્સ વસૂલાતમાં પણ અવરોધ ઉભો થયો છે. આના કારણે કેટલાય કેસો અટકી પડે તેમ મનાય છે. તેની સાથે કેટલીય વસૂલાતો પણ અટકી પડે તેમ છે. આશ્ચર્યની વાત એ છે કે એક વસ્તુ ખોવાય તેનું સીસીટીવી ફૂટેજ મળી આવે છે, પરંતુ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની દસ હજાર ફાઇલ ગુમ થઈ તેનો સમખાવા પૂરતો સીસીટીવી ફૂટેજ પણ મળતો નથી. આ બતાવે છે કે કેટલી સફાઈથી કામ થયું છે.