
અમદાવાદ શહેરીજનોના આરોગ્ય સાથે ચેડાં કરતું વધુ એક મોટું કૌભાંડ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે ઝડપી પાડ્યું છે. નિકોલ વિસ્તારના એક રહેણાંક બંગલામાં કોઈ પણ પ્રકારના લાયસન્સ વગર ધમધમતા ડુપ્લીકેટ ઘી બનાવવાના યુનિટ પર ત્રાટકીને અધિકારીઓએ આશરે ૪૦૦ કિલો ભેળસેળિયું ઘી જપ્ત કર્યું છે. વેજીટેબલ ફેટ અને પામોલીન તેલના મિશ્રણથી આ ‘ઝેર’ તૈયાર કરવામાં આવતું હતું.
એએમસીના હેલ્થ વિભાગને ચોક્કસ બાતમી મળી હતી કે નિકોલની ચિત્રકૂટ આવાસ યોજના પાસે આવેલા રોયલ બંગ્લોઝના એક મકાનમાં ગેરકાયદે ઉત્પાદન ચાલી રહ્યું છે. દરોડા દરમિયાન જાણવા મળ્યું કે, અહીં કોઈપણ રજીસ્ટ્રેશન કે એફએસએસએઆઇ લાયસન્સ વગર જ ‘મંગલમૂર્તિ ગાયનું ઘી’ બ્રાન્ડના નામે પેકિંગ કરીને લોકોને છેતરવામાં આવતા હતા.
આ એકમમાં ગાયના શુદ્ધ ઘીના નામે વેજીટેબલ ફેટ અને સસ્તા પામોલીન તેલનું મિશ્રણ કરવામાં આવતું હતું. તપાસમાં સામે આવ્યું છે કે પેકિંગ પર કઠવાડાની ‘મુરલીધર ફૂડ પ્રોડક્ટ્સ’ને ઉત્પાદક તરીકે ખોટી રીતે દર્શાવવામાં આવતા હતા, એટલું જ નહીં પણ જાર પર છાપેલા લાયસન્સ નંબરની મુદત પણ પૂરી થઈ ગઈ હતી. ફૂડ વિભાગે આ કાર્યવાહી દરમિયાન ૧.૬૦ લાખની કિંમતનું ૪૦૦ કિલો ઘી, ૫૦૦ કિલો ખાલી જાર, લેબલો, ગેસ સિલિન્ડર અને મોટા તપેલા સહિતના સાધનો સીઝ કરીને મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ફૂડ વિભાગની ટીમે ઝડપાયેલા ઘીના નમૂના લઈને લેબોરેટરીમાં ચકાસણી અર્થે મોકલી આપ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે શહેરીજનોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર તત્વો સામે હ્લજીજીછૈં અને ય્ઁસ્ઝ્ર એક્ટ હેઠળ કડક પગલાં લેવાશે. હાલ પોલીસ અને કોર્પોરેશન એ દિશામાં તપાસ કરી રહ્યા છે કે આ નકલી ઘી શહેરના કયા-કયા વેપારીઓને સપ્લાય કરવામાં આવ્યું હતું.