
લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ રવિવારે કોંગ્રેસ પાર્ટીના અનુસૂચિત જાતિ વિભાગ દ્વારા આયોજિત ‘મૈં ભી આંબેડકર’ મેરેથોનને લીલી ઝંડી આપી. મેરેથોન નવી દિલ્હીના મંડી હાઉસમાં સફદર હાશ્મી માર્ગથી શરૂ થઈ હતી અને ડા. આંબેડકર રાષ્ટીય (૨૬, અલીપુર રોડ) ખાતે સમાપ્ત થઈ હતી. આ કાર્યક્રમનું આયોજન ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના અનુસૂચિત જાતિ વિભાગ દ્વારા ઓબીસી વિભાગના સહયોગથી કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે, ગાંધીએ જણાવ્યું હતું કે “મૈં ભી આંબેડકર” મેરેથોન બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના આદર્શો અને ભારતીય બંધારણ પ્રત્યેની આપણી અતૂટ પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. તેમણે ઉમેર્યું હતું કે આજે, જ્યારે બંધારણીય મૂલ્યો પર હુમલો થઈ રહ્યો છે, ત્યારે આપણે બાબાસાહેબ આંબેડકરના આદર્શોને અનુસરીને એક થઈને તમામ અન્યાય અને ભેદભાવ સામે લડવું જાઈએ. કાર્યક્રમના અંતે, શ્રી ગાંધીએ દેશવાસીઓને “જય ભીમ, જય બંધારણ, જય હિંદ” ના નારા સાથે બંધારણના રક્ષણ અને સામાજિક ન્યાયને પ્રોત્સાહન આપવા આગળ આવવા હાકલ કરી હતી.