રશિયન સાધ્વીને લાગ્યો હિન્દુ સનાતન ધર્મનો રંગ, આવી પહોંચ્યા ભવનાથના મેળામાં

જુનાગઢ,

જૂનાગઢના ભવનાથના અતિ પાવન અને પૌરાણિક એવા મહાશિવરાત્રીની શરૂઆત થતા જ દૂર દૂરથી નાગા સાધુઓ ભવનાથ પંથકમાં આવી પહોંચયા છે. ભજન, ભોજન, ભક્તિ અને ભાવિકોનો સંગમ એવો મહાશિવરાત્રીનો મેળો ૧૫ થી ૧૮ ફેબ્રુઆરી દરમિયાન યોજાય રહ્યો છે. સાધુ સંતો પોતાના ધુણા ધખાવવાની તૈયારીમાં હાલ લાગી ગયા છે. મહાશિવરાત્રીના મેળામાં ન માત્ર ગુજરાત, ન માત્ર ભારત પરંતુ વિદેશથી પણ સાધુ સંતોનું આગમન થતું હોવાના વિગતો મળી રહી છે. એવા જ એક મૂળ રશિયાના સાધ્વી ભવનાથના મેળામાં આવી પહોચ્યા છે. તેઓએ ભવનાથની પાવન ભૂમિને અધ્યાત્મ ભૂમિ ગણાવી અને સનાતન ધર્મના મહત્વ વિશે પોતાનો અભિપ્રાય આપ્યો હતો.

રશિયન સાધ્વી અન્નપૂર્ણા ગૌરીએ હિન્દુ સનાતન ધર્મના ગુણગાન ગાયા. તેઓએ જણાવ્યું કે, સનાતન ધર્મ શાંતિના માર્ગે ચાલનારો ધર્મ છે. તેઓએ જૂનાગઢને તપોભૂમિ ગણાવી હતી. મહાશિવરાત્રીના મેળામાં નાગા સાધુઓ મેળાના ખાસ આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે અને મેળામાં પધારતા હોય છે ત્યારે કાશીથી આવેલા રઘુનાથ ગીરી સાધુએ પણ શિવરાત્રિનું જૂનાગઢ માટેનું આગવું મહત્વ જણાવ્યુ હતુ.

ગીરીવર ગિરનારની ગોદમાં મહાશિવરાત્રીના મેળો ચાલી રહ્યો છે. ગિરનારની ટોચ ઉપર બિરાજમાન જગતજનની મા અંબાના નિજ મંદિર ઉપર ધ્વજારોહણ સાથે મેળાનો પ્રારંભ કરાયો હતો. ગિરનારની યાત્રા કરવા આવતા તમામ ભાવિકોની યાત્રા સુખરૂપ સંપન્ન થાય તેવી માતાજીને પ્રાર્થના કરાઈ હતી આ પ્રસંગે મંદિરના મહંત તનસુખગીરી બાપુની નિશ્રામાંમંદિરના પૂજારીઓએ ધજાજીનું પૂજન કરી અને ધજાને નિજ મંદિરના શિખર ઉપર લહેરાવી હતી.