અમદાવાદ,
ગરમી માટે તૈયાર રહેજો. હવે સૂરજદાદા નો પ્રકોપ વધવાનો શરૂ થઈ ગયો છે અને બેવડી ૠતુનો માર લોકોના સ્વાસ્થ્ય પર વાર થઈ રહ્યો છે. ઉનાળો શરૂ થયો નથી. પરંતુ બપોરે તો ઉનાળાની ગરમી જેવો અહેસાસ થાય છે. અત્યારે શિયાળાની ૠતુ બાદ ઉનાળાની ૠતુ તરફ જઈ રહ્યા છીએ.
રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાય રહ્યા છે. જેના કારણે વહેલી સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થાય છે. હવામાન વિભાગનું અનુમાન છે કે, ૨થી ૩ ડીગ્રી તાપમાન વધી જશે. તાપમાન વધે એટલે ગરમી વધશે.
હવામાન વિભાગના સાયન્ટિસ વિજીનલાલે જણાવ્યું છે કે, ઉત્તર પૂર્વના પવન ફૂંકાય રહ્યા છે. ૨થી ૩ ડીગ્રી તાપમાન વધી જશે અને આગામી ૪ દિવસ તાપમાન યથાવત રહેશે.
શિયાળો પૂર્ણ થવા તરફ છે ઉનાળાની શરૂઆત માર્ચ મહિનાથી થઈ જશે. ધીમે ધીમે તાપમાન વધવા લાગશે. પરંતુ ચાલુ વર્ષે ઠંડી પણ રેકોર્ડ બ્રેક પડી છે અને હવે ઉનાળો પણ આકરો રહેવાના એંધાણ છે.
કારણ કે, સામાન્ય રીતે તો ફેબ્રુઆરી મહિના અંતમાં ૩૬થી ૩૭ ડીગ્રી આસપાસ તાપમાન પહોંચતું હોય છે. પરંતુ ચાલુ વર્ષે તો ફેબ્રુઆરીના અંતમાં તાપમાન રહેતું હોય તેટલું તાપમાન ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં જોવા મળ્યું.૧૫ ફેબ્રુઆરીએ છેલ્લા ૪ વર્ષના ફેબ્રુઆરી મહિનાનો મહત્તમ તાપમાનનો રેકોર્ડ તોડ્યો છે. ભુજ ૩૭.૫ મહત્તમ તાપમાન, રાજકોટનું ૩૭.૪ ડીગ્રી અને ડીસા ૩૬.૬ ડીગ્રી નોંધાયું છે જે છેલ્લા ચાર વર્ષમાં તાપમાન તેનાથી ઊંચું નોંધાયું નથી.
સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપરિટેનડેન્ટ ડોક્ટર રજનીશ પટેલે જણાવ્યું છે કે, ૠતુ એવી છે ખબર ન પડે કે ગરમ કપડાં પહેરવા કે સુતરાવ કપડાં પહેરવા. બેવડી ૠતુઓથી લોકો કંટાળી ગયા છે. બેવડી ૠતુની અસર લોકોના સ્વાસ્થ્ય પર પડી રહી છે. તાવ, શરદી, ઉધરસ, વાયરલ ઇન્ફેક્શનના કેસ વધી રહ્યા છે.