જુનિયર ક્લાર્ક પેપર લીક મામલે રાજ્ય સરકારે કરી ઉચ્ચ સ્તરીય કમિટીની રચના પંચાયત વિભાગ, ગૃહ વિભાગ અને એટીએસ તપાસ કરશે

અમદાવાદ,

જુનિયર ક્લાર્ક પેપર લીક મામલે રાજ્ય સરકારે ઉચ્ચ સ્તરીય કમિટીની રચના કરી છે. હવે આ કેસમાં પંચાયત વિભાગ, ગૃહ વિભાગ અને ATS સાથે મળીને તપાસ કરશે. જુનિયર ક્લાર્ક પરીક્ષાનું પેપર લીક કેસ ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. હૈદરાબાદના પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર લીક થયું હોવાનું સામે આવ્યું છે. હૈદરાબાદથી પેપર વડોદરા લવાયા બાદ ત્યાંથી લોકો રૂપિયા આપીને પેપર લઈ ગયા હોવાની માહિતી મળી છે. એટીએસની એક ટીમ તપાસ માટે હૈદરાબાદ રવાના થઈ છે.

જુનિયર ક્લાર્કનું પેપર વડોદરામાં રૂપિયાથી વેચાઈ રહ્યું હતું તેવો દાવો કરાયો છે. જે અંગે ગુજરાત ATS ને ૧૫ દિવસ પહેલા જાણ આ અંગેની જાણ થઈ હતી. ગુજરાત ATS ની ટીમ શંકાસ્પદ લોકોને ઇન્ટરસેપ્ટ કરી રહી હતી.એટીએસને માહિતી મળી હતી કે વડોદરાના પ્રમુખ કૉમ્પલેક્સમાં આવેલા સ્ટેક વાઈસ ટેક્નોલોજી નામના કોચિંગ ક્લાસમાંથી પેપર વાયરલ થયું હતું. ATS એ કોચિંગ ક્લાસના સંચાલકની અટકાયત કરી છે. જ્યારે ગુજરાતના ૪ અને અન્ય રાજ્યના ૧૧ શખ્સો મળીને કુલ ૧૫ લોકોની અટકાયત ધરપકડ કરી છે.

તો બીજી તરફ સ્પર્ધાત્મક પરીક્ષા મોકૂફ રાખવામાં આવતા પરીક્ષાર્થીઓમાં રોષ જોવા મળ્યો છે. ૯ લાખ ૫૩ હજાર વધુ ઉમેદવારોના સપના રોળાયા છે. મહેનત પર પાણી ફરી વળ્યું છે. પંચાયત સેવા પસંદગી મંડળ હવે આગામી સમયમાં બીજી તારીખ જાહેર કરશે. આ અંગે પંચાયત સેવા પસંદગી બોર્ડે પોતાનો લૂલો બચાવ કર્યો છે અને દોષનો ટોપલો ખાનગી એજન્સી પર ઢોળી દીધો છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના સભ્ય રાજીકા કચેરીયાએ દાવો કર્યો કે- ગુજરાત બહારથી પેપર લીક થયું હતું..આખી ટોળકી ગુજરાત બહારની છે. ત્યાંની ટોળકીઓ પર સરકારે નજર રાખેલી જ હતી. આ ટોળકી સામે કડક કાર્યવાહી થશે. તેમણે કહ્યું કે ખાનગી એજન્સી જ પેપર અંગેની બધી જાણકારી હોય છે.. પેપર ક્યાં પ્રિન્ટ થાય છે અને કેવી રીતે પ્રિન્ટ થાય છે તેની સરકાર કે મંડળને કોઈ ખબર નથી હોતી.

મહત્વનું છે કે સવારે ૧૧થી ૧૨ કલાક દરમિયાન પરીક્ષા યોજાવાની હતી. ૯.૫૩ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હતા. પરંતુ તેમની આશાઓ પર નિરાશાનું મોજું ફરી વળ્યું છે. ૨ હજાર ૯૯૫ પરીક્ષા કેન્દ્રો પર તૈયારીનો ખર્ચ માથે પડ્યો છે.. ૭ હજાર ૫૦૦ પોલીસકર્મી સહિત ૭૦ હજારથી વધુનો સ્ટાફ છતા પેપર ફૂટતા સુરક્ષા સામે પણ સવાલ ઉઠ્યા છે.