મહિસાગર જિલ્લા ભાજપ સંગઠનમાં કોઠંબા તાલુકાને અન્યાયનો આક્ષેપ

મહિસાગર જિલ્લા ભાજપના સંગઠનમાં કોઠંબા તાલુકાના કાર્યકરોનો સમાવેશ ન થતાં સ્થાનિક ભાજપ કાર્યકરોમાં રોષ જોવા મળ્યો છે.

કોઠંબાને નવીન તાલુકો જાહેર કરાયા બાદ મહિસાગર જિલ્લા ભાજપ સંગઠનનુ નવુ માળખુ રચાયુ, ત્યારે વર્ષોથી પક્ષ સાથે જોડાયેલા અદના કાર્યકરોએ સંગઠનમાં સ્થાન ન મળતા અને સિનીયર કાર્યકરોની અવગણના કરાઈ હોવાની લાગણી સામાન્ય કાર્યકરોને થઈ છે. જયારે જેમને સંગઠનનો કોઈ અનુભવ નથી તેઓને મોભાદાર હોદ્દા આપી દેવાયા હોવાનુ પણ લોકોને લાગી રહ્યુ છે. નવીન કોઠંબા તાલુકા મંડળની રચના પણ નહિ કરાતા કાર્યકરોમાં હતાશા જોવાઈ રહી છે. આગામી સમયમાં સ્થાનિક સ્વરાજયની ચુંટણીઓનુ રણશીંગુ ગમે ત્યારે ફુુંકાઈ શકે તેમ છે. ત્યારે પાયાના કાર્યકરોની નારાજગી ધણા પ્રશ્ર્નો ઉભા કરે છે. ગત વિધાનસભામાં પક્ષના કેટલાક કાર્યકરોએ ચુંટણી દરમિયાન વિરોધી પ્રવૃત્તિ કરી હોવા છતાં તેમને કોઈક ને કોઈ જગ્યાએ હોદ્દાની માન આપીને બેસાડી દેવામાં આવ્યા છે કે, જેમની પર જિલ્લા ભાજપના નિયમ પ્રમાણે તેમને સંગઠનમાંથી સસ્પેન્ડ કર્યા હતા. ત્યારે હવે સંગઠનની રચનામાં નવા તાલુકાના અદના કાર્યકરોને કોરાણે કરવાના પ્રશ્ર્ને આગામી દિવસોમાં કેવી સ્થિતિ સર્જાય છે તે આવનાર સમય જ કહેશે.