પાલનપુરની સબ જેલમાં કાચા કામના કેદીનો આપઘાત, પુત્રવધુના દુષ્પ્રેરણા કેસમાં સજા ભોગવતા હતા

પાલનપુર સબજેલમાં કાચા કામના કેદીએ ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો છે. દાંતાના નવા જંબેરા ગામના કેદીએ શૌચાલયમાં ટુવાલથી ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી છે. બનાવની જાણ થતા જ જેલ સત્તાધીશો દોડી આવ્યા હતા અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

દાંતા તાલુકાના નવાજંબેરા ગામના ગુલાભાઇ દેવાભાઇ પરમારે જેલમાં માનસિક રીતે થાકી શૌચાલયમાં ટુવાલ વડે આત્મહત્યા કરી હતી. માનસિક રીતે થાકી કાચા કામના કેદીએ આ અંતિમ પગલું ભર્યાનું અનુમાન છે. ગુલાભાઇ સાથે તેમના બે પુત્રો રાજુભાઇ અને ગોવિંદ ભાઇ પણ સબ જેલમાં જ સજા ભોગવી રહ્યા છે. ગુલાભાઇના ત્રીજા નંબરના પુત્ર રાજુભાઇના પત્ની રવિનાબેને ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ નજીકમાં પહાડી વિસ્તારમાં જઇ આત્મહત્યા કરી લીધી હતી. જે બાદ રવિનાબેનના પરિવારજનોએ દીકરીના આત્મહત્યા દુષ્પ્રેરણના ગુનામાં સસરા ગુલાભાઇ અને બે પુત્રો સામે ફરિયાદ નોંધાવી હતી. જે બાદ ગુલાભાઇ અને તેમના બે પુત્ર સબ જેલમાં સજા ભોગવી રહ્યા હતા.

ગુલાભાઈ પરમાર શૌચાલયમાં ગયા બાદ બહાર ન નીકળતા તેમના પુત્ર રાજુભાઈએ તપાસ કરતા નાહવાના ટુવાલથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં જાવા મળ્યા હતા. જે બાદ ફરજ પરના હાજર જવાનોને જાણ કરવામાં આવી હતી અને જેલ ઈન્ચાર્જ દ્વારા ડોક્ટરને બોલાવવામાં આવ્યા હતા. ડો. જી.આર. ગઢવી દ્વારા ગુલાભાઈ પરમારને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જેલ તંત્ર દ્વારા મૃતકના પરિજનોને જાણ કરવામાં આવતા તેઓ તાત્કાલિક પાલનપુર સબજેલ ખાતે પહોંચ્યા હતા. જેલના સત્તાધીશોએ જણાવ્યું હતુ કે કાચા કામના કેદી હોવાથી તેમની આત્મહત્યા બાદ ફોરેન્સીક તપાસ માટે લાશને અમદાવાદ સિવિલમાં ખસેડાઈ છે.

આ ઘટના અંગે પાલનપુર સબ જેલના જેલ ઈન્ચાર્જે જણાવ્યું હતું કે, મૃતક દાંતા તાલુકાના નવા જંબેરા ગામના હતા, જે પુત્ર વધુના આત્મહત્યા દુષ્પ્રેરણ ગુનામાં કાચા કામના કેદી હતા તેમને આત્મહત્યા કરી લીધી છે. ડાકટરે મૃત જાહેર કરતા ફોરેન્સિક તપાસ માટે લાશને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાઈ છે.

પ્રાથમિક તપાસમાં હાલ સામે આવ્યું છે કે ટુવાલથી આત્મહત્યા કરવા માટે ટુવાલને વચ્ચેથી ફાડીને બે ભાગ કરવામાં આવ્યા હતા. જાકે હવે ફોરેન્સિક લાશને ફોરેન્સિક તપાસ અર્થે ખસેડાઈ છે. ગુલાભાઈને પાંચ દીકરા અને એક દીકરી છે જેમાં બે દીકરા તેમની સાથે જ જેલમાં સજા ભોગવતા હતા જ્યારે ત્રણ દીકરા માતા જાડે જ રહેતા હતા અને એક દીકરી સાસરે છે. પુત્રવધુની આત્મહત્યા દુષ્પ્રેરણના ગુનાની ફરિયાદ બાદ પરિવાર હાલ ગામ બહાર રહે છે. તે સમયે ગુલાભાઈના પરિવારે પણ સામેવાળા ૩૮ લોકો સામે લૂંટફાંટની ફરિયાદ નોંધાવી હતી. જેમાં ૯ લોકોને ઝડપીને પોલીસે જેલમાં ધકેલ્યા હતા જેમને ત્રણ મહિનામાં જ જામીન મળી જતા તેઓ જેલમુક્ત થયા હતા.