
અમદાવાદના ભાડજ ગામમાં ભાજપ અને એએમસી વિરુદ્ધ રોષ ભભૂક્યો છે. આ રોષનું કારણ સ્મશાન છે. સ્મશાન મુદ્દે સ્થાનિક લોકોએ ચૂંટણી બહિષ્કારનું એલાન કરી દેતા રાજકીય માહોલ ગરમાયો છે.
અમદાવાદના પશ્ર્ચિમ વિસ્તારમાં આવેલા થલતેજ વોર્ડના ભાડજ ગામમાં સ્થાનિક સુવિધાઓના અભાવે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગામના લોકોનું કહેવું છે કે, અમદાવાદ જેવા મહાનગરમાં અવારો વિસ્તાર આવે છે પરંતુ અમારા વિસ્તારમાં અંતિમ સંસ્કાર માટે કોઈ વ્યવસ્થા નથી. જ્યારે પણ ગામમાં કોઈનું મોત નીપજે છે, ત્યારે મૃતદેહને છેક થલતેજ સ્મશાનગૃહ સુધી લઈ જવો પડે છે. આ સમયે એસજી હાઇવે ઓળંગતા ભારે મુશ્કેલીઓ પડે છે.
વાત જાણે એમ છે કે, એક તરફ સરકાર અને એએમસીનું તંત્ર અમદાવાદના વિકાસના દાવા કરે છે પરંતુ હકીક્તમાં તેમનામા આવતો ભાડજ વિસ્તાર જ્યા લોકો પાયાની સુવિધા માટે તરસી રહ્યા છે. પાયાની જરૂરિયાત ગણાતી સ્મશાનની સુવિધા ન મળતા ગ્રામજનોએ ચૂંટણીઓના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે અને ગામના પ્રવેશદ્વારો પર વિરોધ પ્રદર્શન કરતા બોર્ડ લગાવી દીધા છે. આ બેનરોમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે, જ્યાં સુધી સ્મશાનનું નિર્માણ નહીં થાય, ત્યાં સુધી ભાજપના કોઈ પણ નેતા કે એએમસીના પદાધિકારીઓએ ગામમાં પ્રવેશ કરવો નહીં.
આ મામલે રાજકીય વિવાદ પણ છેડાયો છે. થલતેજ વોર્ડના ભાડજ ગામમાં લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. અનેક રજૂઆત સ્મશાન મામલે કરાઇ છતાં પણ નેતાઓ અને એએમસી કોઇ ગણકારતુ નથી. જેથી લોકોએ ’સ્મશાન નહીં તો વોટ નહીં’ના બોર્ડ જાહેરમાં મારી ભાજપ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશોનો વિરોધ કર્યો છે.