PMAY(G) આવાસ યોજનામાં લાંચ લેતા ઘોઘંબા તાલુકા પંચાયતનો કોમ્પ્યુટર ઓપરેટર ACB ટ્રેપમાં ઝડપાયો


પંચમહાલ જિલ્લામાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાર્યવાહી કરતા એન્ટી કરપ્શન બ્યુરો (ACB) ગોધરા એકમે ટોલ ફ્રી નંબર 1064 પર મળેલી ફરીયાદના આધારે સફળ ટ્રેપ ગોઠવી તાલુકા પંચાયત કચેરીના કર્મચારીને લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધો છે.

પ્રાપ્ત વિગતો મુજબ એક જાગૃત નાગરિકે ACBમાં ફરીયાદ નોંધાવી હતી. જેમાં આરોપી સોબાન S/O સિરાજ મજીદ બાગવાલા (ઉ.વ. 33), ધંધો કોમ્પ્યુટર ઓપરેટર (કરાર આધારીત) પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY-G) અંતર્ગત તાલુકા પંચાયત કચેરી ધોંધબા, તા. ઘોંધબા, જી. પંચમહાલમાં ફરજ બજાવી રહ્યો હતો.

ફરિયાદીના ફળીયાના એક લાભાર્થીને વર્ષ 2024-25 દરમિયાન પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસ મંજુર થયેલ હતું. જેમાં લીંટલ લેવલ સુધીનું કામ પૂર્ણ થઈ ગયેલ અને પ્રથમ હપ્તા રૂપે રૂ.30,000/-ની રકમ મળી ચૂકી હતી. પરંતુ બીજો હપ્તો મંજુર થવાનો બાકી હતો. લાભાર્થીને બીજો હપ્તો ન મળતા જરૂરી ફોટા સહિતના ફોર્મ ભરાવી તલાટી તથા ગ્રામ સેવકની સહી-સિક્કા કરાવી તાલુકા પંચાયત કચેરી ધોંધબામાં જમા કરાવવા ફરીયાદીએ કાર્યવાહી કરી હતી.

આ દરમિયાન આરોપી સોબાને ડેટાબુક અને ઓફિસના કોમ્પ્યુટરમાં ચકાસણી કરી “સાહેબ માટે વહેવાર” પેટે રૂ.2,000/-ની લાંચની માંગણી કરી હતી. લાંચ આપવાની ફરીયાદીની ઇચ્છા ન હોવાથી ACBનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

ફરીયાદના આધારે ACB પંચમહાલ દ્વારા તા. 01/01/2026ના રોજ તાલુકા પંચાયત કચેરી ધોંધબાના પ્રથમ માળે ખુલ્લી અગાસીમાં લાંચનો છટકો ગોઠવવામાં આવ્યો હતો. છટકા દરમ્યાન આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂ.2,000/-ની લાંચ સ્વીકારી હતી, જે રકમ સ્થળ પરથી જ રિકવર કરવામાં આવી હતી.

આ સફળ ટ્રેપની કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ.પી. કરેણ, ACB પંચમહાલ પોલીસ સ્ટેશન, ગોધરા તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યવાહી ઉપર શ્રી બી.એમ. પટેલ, મદદનીશ નિયામક, ACB પંચમહાલ એકમ ગોધરા દ્વારા સુપરવિઝન રાખવામાં આવ્યું હતું. જ્યારે વડોદરા રેન્જના નાયબ નિયામક શ્રી બળદેવ દેસાઈ, IPS દ્વારા ઇન્ચાર્જ અધિકારી તરીકે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ACBની આ કાર્યવાહીથી સરકારી યોજનાઓમાં ભ્રષ્ટાચાર કરનારાઓ માટે કડક સંદેશો ગયો છે અને જાગૃત નાગરિકોની ભૂમિકા મહત્વપૂર્ણ સાબિત થઈ છે.