હાલોલ નગરપાલિકામાં લારી-પાથરણા ધારકો પાસેથી ફી વસુલાતની કામગીરી દરમિયાન સરકારી નાણાંની ઉચાપતમાં પાલિકાના હંગામી કલાર્ક તરીકે ફરજ બજાવતા સુરેશભાઇ ભરવાડ સામે અંદાજે રૂ.૧૩,૪૦,૦૦૦/-ની વસુલાતની રકમ પાલિકાના હિસાબી વિભાગમાં જમાં નહિ કરાવી અંગત ઉપયોગમાં લઈ ઉચાપત કર્યાની ફરિયાદ હાલોલ પોલીસ મથકે નોંધાઈ છે.
તા.૧ એિ૫્રલ-૨૦૨૬ થી ૨૮ ઓકટો.-૨૦૨૬ દરમિયાન લારી પાથરણાની ફી વસુલવા માટે આરોપીને કુલ ૭૮૦ રસીદ બુક આપી હતી. એક બુકમાં ૧૦૦ રસીદ મુજબ કુલ ૭૮ હજાર રસીદો ઈશ્યુ કરી હતી. આ રસીદો મારફતે વસુલાત કરાયેલી રકમ નગરપાલિકાની હિસાબી શાખામાં નિયમિત જમાં કરાવવાની જવાબદારી આરોપીની હતી. આક્ષેપ પ્રમાણે એપ્રિલ માસ દરમિયાન વસુલ થયેલા રૂ.૧,૬૮,૦૦૦/-નગરપાલિકામાં જમાં કરાવ્યા હતા.પરંતુ તે બાદ તા.૧ મે-૨૦૨૬ થી તા.૮ ઓકટો.-૨૦૨૬ સુધીની વસુલાતનો હિસાબ રજુ કર્યો ન હતો. ફરિયાદમાં ૬૭૦ રસીદ બુકની ૬૭ હજાર રસીદોના આધારે અંદાજે રૂ.૧૩,૪૦,૦૦૦/-ની રકમ નગરપાલિકાની હિસાબી શાખામાં જમાં ન કરાવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા કર્મચારીને નોટિસ પાઠવી ખુલાસો માંગતા સંતોષકારક જવાબ ન મળતા તેને ફરજમાંથી મુકત કર્યો છે. ચીફ ઓફિસરના લેખિત હુકમના આધારે કચેરી અધિક્ષક પ્રવિણ પુજાભાઈ પારેખે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આરોપીની મુળ નિમણુંક તા.૨ જુલાઈ-૨૦૨૧ ના રોજ અગ્નિશામન શાખામાં ડ્રાઈવર તરીકે કરી હતી. તેને હાલોલ શહેરમાં ફરતી લારીઓ અને પાથરણાવાળાઓ પાસેથી ફી વસુલવાની કામગીરી સોંપી હતી. વસુલાતની રકમ રોજ પાલિકાની હિસાબી શાખામાં જમાં કરવાની હોવા છતાં રકમ જમાં ન કરાવી સરકારી નાણાંનો દુપયોગ કરી વિશ્ર્વાસધાત કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. પોલીસ ફરિયાદ સાથે રસીદ બુકના સ્ટોક રજીસ્ટરની નકલ, બુક ઈશ્યુ રજીસ્ટરની નકલ, નોકરીના નિમણુંક હુકમની નકલ તથા સંબંધિત સર્કલ રિપોર્ટ સહિતના દસ્તાવેજો રજુ કર્યા છે. આ મામલે પોલીસ ફરિયાદ આધારે તપાસ હાથ ધરાનાર છે.