છોટાઉદેપુર જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચુંટણીના પડધમ વાગી રહ્યા છે. જિલ્લાના ૭ તાલુકાઓમાં આવેલા કુલ ૨૭૪ ગ્રામ પંચાયતોની ચુંટણીને લઈને વહીવટી તંત્ર દ્વારા તાડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ચુંટણીની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને મતદાર યાદી પ્રસિદ્ધ કરવાની કામગીરી પણ હાથ ધરાશે.
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી, બોડેલી, કવાંટ, સંખેડા, પાવીજેતપુર, કદવાલ સહિતના ૭ તાલુકાઓમાં ગ્રામ પંચાયતોની ચુંટણી યોજાનાર છે. જેમાં ૫ વર્ષની મુદ્દત પુર્ણ થતી હોય તેવી ૨૩૨ ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે. જયારે ૪૨ ગ્રામ પંચાયતોમાં પેટા ચુંટણી યોજવામાં આવશે. ગ્રામ પંચાયતની ચુંટણી એટલે ગામડાઓમાં જાણે લગ્ન જેવો માહોલ ઉભો થયો હોય છે. હાલ સરપંચની ચુંટણી લડવા ઈચ્છતાં સંભવિત ઉમદવારોએ ચુંટણી જાહેર થાય તે પહેલા જ ગામડે ગામડે પ્રચાર શરૂ કરી દીધો છે. નસવાડી તાલુકાના ધણા મજુરો સોૈરાષ્ટ્રમાં મજુરી કામે જતા હોવાથી સરપંચની ચુંટણી લડવા ઈચ્છતાં ઉમેદવારો અત્યારથી જ સોૈરાષ્ટ્રમાં મજુરી કામ કરતા લોકોનો સંપર્ક કરવા અને તેમને મળવા પહોંચી રહ્યા છે. ગ્રામ પંચાયતની ચુંટણીને લઈને ગામડાઓના મતદારોમાં પણ ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. બીજી તરફ છોટાઉદેપુર જિલ્લા ચુંટણી શાખા દ્વારા ચુંટણીને લગતી તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. ૫ વર્ષની મુદ્દત પુર્ણ થતી હોવાથી આગામી ગણતરીના દિવસોમાં ચુંટણી જાહેર થાય તેવી શકયતાઓ પણ સેવાઈ રહી છે. છોટાઉદેપુર જિલ્લામાં એકસાથે મોટી સંખ્યામાં ગ્રામ પંચાયતોની ચુંટણી યોજાનાર હોવાથી આ વખતે મતદાન બેલેટ પેપરથી કરવામાં આવશે. પાંચ વર્ષ બાદ ગ્રામ પંચાયતની ચુંટણીમાં ફરી બેલેટ પેપરનો ઉપયોગ કરવામાં આવશે.