હાલોલ ફેમિલી કોર્ટે ભરણપોષણની રકમ ચુકવવામાં નિષ્ફળ ગયેલા કાલોલના એક શખ્સ સામે કડક વલણ અપનાવી ૩૬૦ દિવસની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે. કોર્ટે આરોપી વિરુદ્ધ ધરપકડ વોરંટ પણ જારી કર્યુ છે.
કાલોલના કસ્બામાં રહેતા ૫૮ વર્ષિય સુગરાબીબી શબ્બીર યુસુફ અને ૩૫ વર્ષિય શફીયા શબ્બીર યુસુફ દ્વારા ભરણપોષણની વસુલાત માટે ક્રિમીનલ મિસ.એપ્લિકેશન નં.-૨૭૯/૨૬ દાખલ કરવામાં આવી હતી. સામાવાળા તરીકે કાલોલના ગધેડી ફળિયામાં રહેતા શબ્બીર યુસુફ સુબન છે. અગાઉ અરજી નં.-૩૦૫/૧૮ અન્વયે તા.૬/૭.૧૯ ના રોજ કોર્ટે અરજદારો સુગરાબીબી અને સફીયાને પ્રત્યેકને માસિક રૂ.૩,૩૭૫ લેખે કુલ માસિક રૂ.૬,૭૫૦ ભરણપોષણ ચુકવવાનો હુકમ કર્યો હતો. તા.૧૬/૬/૨૫ થી ૧૫/૬/૨૬ સુધીના ૧૨ મહિનાના ભરણપોષણની વસુલાત માટે રૂ.૮૧,૦૦૦ ની અરજી કરવામાં આવી હતી. નોટિસ બજવણી અને પુરતો સમય આપવા છતાં શબ્બીર સુબન કોર્ટમાં હાજર રહ્યા નહોતા કે ભરણપોષણની કોઈ રકમ જમાં કરાવી ન હોતી. હાલોલ ફેમેલી કોર્ટના જજ જે.આર.દોડિયાએ નોંધ્યુ કે, બીએનએસએસ કલમ-૧૪૪નો મુખ્ય હેતુ પત્નિને ઝડપી ભરણપોષણ મળે અને કોર્ટના હુકમનો અનાદર કરી વધુ સમય આપવો યોગ્ય નથી. કોર્ટે આદેશ કર્યો છે કે, સુગરાબીબીના પક્ષમાં થયેલા માસિક રૂ.૩,૩૭૫ ના હુકમ મુજબ ૧૨ મહિનાની બાકી રકમ રૂ.૪૦,૫૦૦ ન ચુકવવા બદલ શબ્બીર યુસુફ સુબનને ૩૬૦ દિવસ પ્રતિ માસ ૩૦ લેખે ૧૨ મહિનાથી સાદી કેદની સજા ફરમાવવામાં આવી છે. જો સામાવાળા બાકી ભરણપોષણની રકમ ચુકવે તો તે સમયગાળા માટે સજામાં મુક્તિ મળવાપાત્ર રહેશે. સંબંધિત પોલીસ અધિકારીને આરોપીની ધરપકડ કરી જિલ્લા જેલમાં ધકેલવા અને વિગતવાર અહેવાલ કોર્ટમાં રજુ કરવા ધરપકડ વોરંગ જારી કરવાનો આદેશ કર્યો છે. જો આરોપી અન્ય ગુનામાં જેલમાં હોય તો તે સજા પુર્ણ થયા બાદ આ સજાનો અમલ ક્રમશ : કરવાનો રહેશે.