શહેરા તાલુકાના જુના વલ્લભપુરથી નવા વલ્લભપુર જતા રોડ પર પુરઝડપે હંકારી રહેલા એક પલ્સર બાઈક ચાલકે રોડની સાઈડમાં ચાલતા જતા યુવકને પાછળથી ટકકર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા ૩૫ વર્ષિય યુવકનુ સારવાર દરમિયાન મોત નીપજયું હતુ. આ બાબતે શહેરા પોલીસ મથકે ગુનો નોંધાવવા પામ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરા તાલુકાના નવા વલ્લભપુર ખાતે નાયક ફળિયામાં રહેતા અને ખેતીકામ કરતા ભક્તિસિંહ નટવરસિંહ ઠાકોરના ભાઈ શક્તિસિંહ નટવરસિંહ ઠાકોર ગત તા.૨૦ નવેમ્બરના રોજ જુના વલ્લભપુરથી નવા વલ્લભપુર જતા રોડની સાઈડમાં ચાલતા જઈ રહ્યા હતા. આ દરમિયાન વલ્લભુપરના નવાધરા ફળિયામાં રહેતા પ્રફુલસિંહ દિલાવરસિંહ સોલંકીએ પોતાની પલ્સર બાઈકને પુરઝડપે હંકારી લાવી ચાલતા જતા શક્તિસિંહને પાછળથી અડફેટે લીધા હતા. આ ટકકર એટલી જોરદાર હતી કે, ગંભીર રીતે ધવાયેલા શક્તિસિંહને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જયાં સારવાર દરમિયાન તેમનુ મોત નીપજયું હતુ.