
ડીજીજીઆઇ અમદાવાદ ઝોનલ યુનિટે ગુજરાતમાં ચાલી રહેલા ત્રણ મોટા જીએસટી ફ્રોડ કેસોનો પર્દાફાશ કર્યો છે. આ ત્રણેય કેસમાં કુલ ૮૦૦ કરોડથી વધુના ફ્રોડ બિલો બનાવી ઇનપુટ ટેક્સ ક્રેડિટની લૂંટ ચલાવવામાં આવી હોવાનું તપાસમાં જણાયું હતું. આ કેસોમાં ડીજીજીઆઇએ ચાર મુખ્ય આરોપીઓની ૨૫થી ૨૮ નવેમ્બર દરમિયાન ધરપકડ કરી છે.
અમદાવાદથી બદ્રે આલમ પઠાણ અને એમ/એસ એ એચ એન્જીનીયરીંગ વર્કસના માલિક તૌફિક ખાનની ૨૭ નવેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી. વાસ્તવિક માલની ખરીદી વગર તૌફિક ખાને ૪૫ કરોડના ફ્રોડ બિલ ખરીદીને નકલી આઇટીસીનો લાભ લીધો હતો, જેનાથી સરકારી ખજાનાને અંદાજે ૯ કરોડનું નુક્સાન થયું છે. આ સિન્ડિકેટેડમી ડિરેક્ટરો, નકલી ઓળખપત્રો અને વર્ચ્યુઅલ ઓફિસો બનાવીને ધંધો ચલાવ્યો હતો. તપાસમાં અમદાવાદ, ચંદ્રપુર, મુંબઈ, રાજકોટ અને ભાવનગરમાં દરોડા પાડી અનેક શેલ કંપનીઓની વિગતો, મોબાઇલ-સિમકાર્ડ, ડિજિટલ રેકોર્ડ, બેંક ખાતાની માહિતી અને હવાલા ટ્રાન્ઝેક્શનના પુરાવા મળી આવ્યા છે.જુનાગઢના પાર્ટનર હાદક સંજયભાઈ રાવલની ૨૫ નવેમ્બરે ધરપકડ કરાઈ. તેણે ૪૭ નકલી ફર્મો પાસેથી ૧૧૦.૫૭ કરોડના ફ્રોડ બિલ લઈ ૨૮.૦૨ કરોડનું નકલી આઇટીસી લીધું અને અન્યોને ૮૩.૬૪ કરોડના ફ્રોડ બિલ જારી કરી ૨૦.૨૪ કરોડનું આઇટીસી પાસ કર્યું હતું. તે આખા નેટવર્કનો માસ્ટરમાઇન્ડ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
જામનગરના પાર્ટનર જયદીપ મુકેશભાઈ વિરાણીની ૨૮ નવેમ્બરે ધરપકડ કરવામાંઆવી હતી. તેણે ૪૦થી વધુ નકલી ફર્મો પાસેથી ૧૨૧ કરોડના ફ્રોડ બિલ લઈ ૨૨ કરોડનું નકલી આઇટીસી લીધું હતું. જામનગરની બ્રાસ-સ્ટીલ ઇન્ડસ્ટ્રીમાં ઘણી કંપનીઓ બિનહિસાબી વેચાણ છુપાવવા ફ્રોડ બિલનો ઉપયોગ કરતી હોવાનું પણ બહાર આવ્યું છે.
જે વેપારીઓનો ધંધો બંધ થઈ ગયો હોય તેઓ પોતાનું જીએસટી રજિસ્ટ્રેશન સરેન્ડર કરી દે, નહીં તો આવા ઠગો તેમના જીએસટીઆઇએનનો દુરુપયોગ કરીને ફ્રોડ કરે છે અને પછીથી મૂળ માલિકો પણ મુશ્કેલીમાં મુકાય છે. આ તમામ કેસોમાં સીજીએસટી એક્ટ-૨૦૧૭ની કલમ ૧૩૨ હેઠળ ૫ કરોડથી વધુની ઠગાઈ માટે ૫ વર્ષ સુધીની જેલ અને દંડની જોગવાઈ છે અને આ પ્રકારના ગુના નોન-બેલેબલ છે. ડીજીજીઆઇની ટીમે રાજકોટ, જામનગર સહિત અનેક સ્થળોએ દરોડા પાડી વધુ પુરાવા એકઠા કર્યા છે અને આખા નેટવર્કની ઊંડી તપાસ ચાલુ છે.