વેરાવળમાં એસ.ટી બસમાંથી વિદેશી દારૂ ઝડપાયો, લાઇન ચેકિંગ દરમિયાન ખુલાસો

ભાવનગરથી વેરાવળ જઇ રહેલી ગુજરાત એસ.ટીની એક્સપ્રેસ બસમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે.જીએસઆરટીસી લાઇન ચેકિંગ દરમિયાન બિનવારસી થેલો મળ્યો હતો જેની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. આ ઘટનાના તાર ઉના એસ.ટી.ડેપો સુધી જોડાયાની ચર્ચા છે.

જીએસઆરટીસીની લાઇન ચેકિંગ ટીમ દ્વારા વેરાવળ નજીક આવેલા નમસ્તે સર્કલ ખાતે નિયમિત ટિકિટ ચેકિંગ દરમિયાન ભાવનગર-વેરાવળ રૂટની એસ.ટી. બસ નંબર જીજે -૧૮ ઝેડટી ૦૪૩૯ની તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન બસમાંથી એક શંકાસ્પદ થેલો મળી આવ્યો હતો. આ થેલાની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવતા ચેકિંગ ટીમ પણ ચોંકી ગઇ હતી. પ્રાથમિક તપાસમાં આ થેલો બિનવારસી હોવાનું જાણવા મળ્યું હતું.

જીએસઆરટીસીની લાઇન ચેકિંગ ટીમે સમગ્ર ઘટનાની જાણ તાત્કાલિક સ્થાનિક પોલીસને કરી હતી. બાદમાં ઝડપાયેલા વિદેશી દારૂનો જથ્થો વધુ તપાસ અર્થે પ્રભાસ પાટણ પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો.આ ઘટનાને પગલે ય્જીઇ્ઝ્રના ડ્રાઈવર ઘેલાભાઈ મૂળુભાઈ વાધ દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસ દ્વારા હવે એસ.ટી. બસ મારફતે દારૂની હેરાફેરી પાછળ કોણ સંડોવાયેલું છે અને દારૂ કોના દ્વારા મોકલવામાં આવ્યો હતો તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.

મહત્ત્વપૂર્ણ છે કે થોડા સમય પહેલા ઉના-પોરબંદર રૂટની એસ.ટી બસ માંગરોળ તાલુકાના શીલ ગામે પહોંચતા એસ.ટી વિભાગના ચેકિંગ દરમિયાન બિનવારસી ૧૨૦ જેટલી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. હવે વેરાવળમાંથી પણ એસ.ટી બસમાંથી બિનવારસી દારૂનો જથ્થો મળી આવતા પોલીસ ચોંકી ગઇ છે અને તપાસ હાથ ધરી છે.