ગુજરાતમાં દિવસને દિવસે ગુનેગારો બેફામ થતા જાય છે, નજીવી બાબતે મારામારી, હત્યા, લૂંટફાટ જેવી ઘટનાઓ વધી રહી છે ત્યારે વધુ એક હત્યાનો બનાવ વાવ-થરાદ જિલ્લાના બુરેઠા ગામેથી સામે આવ્યો છે. જેમાં જમાઈ સાસુની હત્યા કરી ફરાર થઈ ગયો.
વાવ થરાદમાં ભાભરના બુરેઠા ગામે ચકચારી હત્યાનો બનાવ સામે આવ્યો છે. પતિ-પત્ની વચ્ચે દારૂ પીવા અને અંગત કારણોસર ઝઘડો ચાલતો હતો. જે બાદ પત્ની પિયર જતી રહી હતી. બે વખત સસરા ઘરે આ બાબતે રકઝક કર્યા પછી કોઈ નિવેડો ન આવતા ગુસ્સે ભરાયેલા પતિના માથે પત્નીના પરિવારને શબક શીખવાડવાનું ભૂત ચડ્યું હતું. આરોપ મુજબ જમાઈ દારૂનો નશો કરી ઘટનાની રાત્રે બુરેઠા ગામ આવ્યો હતો. તેની સાથે ચાર પાંચ લોકો પણ હતા. જમાઈએ સાસરિયાઓ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. જે બાદમાં મામલો વણસતા મારામારી સુધી પહોંચ્યો હતો.
અડધી રાત્રે થયેલી આ બબાલ એટલી ઉગ્ર બની ગઈ હતી કે જમાઈ હાથમાં જે આવ્યું તે લઈને સાસરિયાં પક્ષ પર હુમલો કરી રહ્યો હતો. બાદમાં લોખંડનો સળિયો લઈને સાસુ પર ચડી બેઠો હતો અને માથા પર એક ફટકો મારી દાદી સાસુનું ઢીમ ઢાળી દીધું હતું. બાદમાં તેની પત્ની અને સસરાને પણ ઢોર માર મારી ફરાર થઈ ગયો હતો. સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી ગુનેગાર જમાઈ અને તેના સાગરીતોને પકડવા ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે. આરોપીની પત્ની હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
મૃતકના પુત્રએ કહ્યું કે ’દારૂ પી અને જમાઈ ધમાલ કરતો હતો એટલે અમે દીકરીને ઘરે તેડી લાવ્યા હતા. જેથી ઝઘડા માટે તે પાંચ થી છ લોકોને રાત્રે લઈને આવ્યો હતો. મેં કહ્યું હતું કે તારી દીકરીનું તને આપી દઇશ પણ પાંચ મોટા આગેવાનોને લઈને આવ, પણ ન માનતા ઝપાઝપી થઈ હતી. મારી માતાને માથાને ભાગે લોખંડનો સળીયો માર્યો અને મારા પત્નીને ધોકા વડે માર મારવામાં આવ્યો હતો.’
ગામના સ્થાનિક આગેવાનોનું કહેવું છે કે ’રાત્રે ૧૦ વાગ્યે મુકેશ નામનો યુવક અને તેમના જમાઈ જે સાબલાના રહેવાશી છે તે ચાર પાંચ લોકોને લઈને આવ્યા હતા. હુમલામાં લોખંડનો સળિયો વાગતા સાસુનું મોત થયું છે. જમાઈ સાથે કોઈ અંગત બાબતે ડખો ચાલતો હતો.’