
રાજ્યમાં છેલ્લા એક મહિનાથી વરસાદે સંપૂર્ણ વિરામ લઈ લેતા ધરતીપુત્રો અને સરકારની ચિંતા વધી છે. ત્યારે હવામાન વિભાગ તરફથી ચોમાસાને લઈ સારા સમાચાર આવ્યા. આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 12 અને 13 સપ્ટેમ્બરે તો રાજ્યના અલગ અલગ જિલ્લામાં છુટાછવાયા સ્થળે ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી. આજની તારીખે રાજ્યમાં 23 જિલ્લામાં 1 ટકાથી લઈ 89 ટકા સુધી વરસાદની ઘટ વર્તાઈ રહી છે.
વરસાદને લઈ આ અઠવાડિયું ખેતી માટે નિર્ણાયક રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામવાની આગાહી કરવામાં આવી છે. લાંબા સમયથી વરસાદે વિરામ લેતા ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છના ખેડૂતો પાકને લઈને ચિંતિત છે. ત્યારે આગામી દિવસોમાં વરસાદની નવી સિસ્ટમ સક્રિય થવાની આગાહીથી ખેડૂતોને રાહત મળી શકે છે. હાલ ગુજરાતમાં વરસાદની સ્થિતિ એકસરખી નથી. સૌરાષ્ટ્ર-કચ્છમાં ઘટ વધુ હોવાનું સામે આવ્યું છે. આવા સમયે સપ્ટેમ્બરમાં પડનારો વરસાદ ખેડૂતો માટે મહત્વનો બની શકે છે.
12 અને 13 સપ્ટેમ્બરે રાજ્યમાં ભારે વરસાદની આગાહી રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે. ત્યારબાદ 11 સપ્ટેમ્બરથી વરસાદનું જોર વધવાની શક્યતા છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસે જણાવ્યું કે, આગામી 14 સુપ્ટેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદ રહેવાની સંભાવના છે. 12 અને 13 તારીખે ભારે વરસાદની આગાહી છે.
બંગાળની ખાડીમાં સર્જાયેલી નવી સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધી રહી છે- પરેશ ગોસ્વામી હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, રાજ્યમાં છેલ્લા 35 થી 37 દિવસના લાંબા વિરામ બાદ હવે ખેડૂતો અને નાગરિકો માટે રાહતના સમાચાર આવી રહ્યા છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી જણાવે છે કે, અત્યાર સુધી IMD સહિતના વિવિધ હવામાન મોડેલોમાં ગુજરાતમાં વરસાદ અંગે વિરોધાભાસ જોવા મળતો હતો, પરંતુ હવે IMD(INDIAN METROLOGICAL DEPARTMENT) અને ECMWF(European Centre for Medium-Range Weather Forecasts) જેવા તમામ વૈશ્વિક મોડેલોમાં સકારાત્મક ફેરફારો જોવા મળી રહ્યા છે.
બંગાળની ખાડીમાં સર્જાયેલી નવી સિસ્ટમ મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર સરહદ થઈ ગુજરાત તરફ આગળ વધી રહી છે. આ સિવાય પવનની ગતિમાં ઘટાડો થવાથી સિસ્ટમને ગુજરાત તરફ આવવામાં પવનનો અવરોધ નહીં નડે , જેના કારણે આગામી 12 થી 16 સપ્ટેમ્બર દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોમાં વરસાદી ગતિવિધિઓ જોવા મળી શકે છે.
આ સિસ્ટમના કારણે ગુજરાતમાં વરસાદની શક્યતા હવામાન નિષ્ણાત મેહુલ વસાણીએ જણાવ્યું કે, ગુજરાતમાં 12 અને 13 સપ્ટેમ્બરે વરસાદની સંભાવના છે. સિસ્ટમ અંગે માહિતી આપતા કહ્યું કે, દક્ષિણ ગુજરાતથી ઉત્તર પ્રદેશ અને તેની આસપાસના વિસ્તારો પર રચાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશન સુધી સરેરાશ દરિયાઈ સપાટીથી 3.1 કિ.મી. ઉપર ટ્રફ પસાર થઈ રહ્યો છે. 11 સપ્ટેમ્બરની આસપાસ પશ્ચિમ-મધ્ય-ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડી અને તેની આસપાસના ઉત્તર-આંધ્રપ્રદેશ-દક્ષિણ ઓડિશા દરિયાકાંઠે લો-પ્રેશર એરિયા બનવાની સંભાવના છે.
રાજ્યમાં સિઝનમાં સરેરાશ સામે 75.62 ટકા વરસાદ રાજ્યમાં આજની તારીખે 19 ટકા વરસાદની ઘટ વર્તાઈ રહી છે. સિઝનનો સરેરાશ 75.62 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ઝોનવાઈઝ વરસેલા સરેરાશ વરસાદની વાત કરીએ તો, દક્ષિણ ગુજરાતમાં સરેરાશ સામે 104 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં સરેરાશ સામે 75 ટકા, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં સરેરાશ સામે 56 ટકા અને કચ્છમાં સરેરાશ સામે 29 ટકા જ વરસાદ વરસ્યો છે.