ઉત્રાણથી જયપુર માટે વિશેષ ટ્રેન દોડાવાશે ગોધરા, દાહોદ સહિતના મુસાફરોને મળશે લાભ; ૯ અને ૧૬ નવેમ્બરે ઉત્રાણથી થશે પ્રસ્થાન.

તહેવારોની મોસમ અને મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ઉત્રાણથી રાજસ્થાનના ખાતીપુરા (જયપુર) વચ્ચે વિશેષ ભાડા પર સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેનના કારણે ગુજરાતના અંકલેશ્ર્વર, ભરૂચ, વડોદરા, ગોધરા અને દાહોદ સહિતના વિસ્તારોના મુસાફરોને જયપુર જવા માટે વધારાની રેલવે સુવિધા ઉપલબ્ધ થશે.

પશ્ચિમ રેલવેના વડોદરા મંડળના જનસંપર્ક અધિકારી ખેમરાજ મીણા દ્વારા આપવામાં આવેલી પ્રેસ રિલીઝ મુજબ ટ્રેન નંબર ૦૯૧૩૧/૦૯૧૩૨ ઉત્રાણખાતીપુરાઉત્રાણ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન કુલ ચાર ફેરા કરશે.

ટ્રેન નંબર ૦૯૧૩૧ ઉત્રાણખાતીપુરા સ્પેશિયલ ૯ અને ૧૬ નવેમ્બર ૨૦૨૬ના રોજ સોમવારે ઉત્રાણથી બપોરે ૨:૧૫ કલાકે ઉપડશે અને બીજા દિવસે મંગળવારે સવારે ૧૦:૦૦ કલાકે ખાતીપુરા પહોંચશે. જ્યારે પરત દિશામાં ટ્રેન નંબર ૦૯૧૩૨ ખાતીપુરાઉત્રાણ સ્પેશિયલ ૧૦ અને ૧૭ નવેમ્બર ૨૦૨૬ના રોજ મંગળવારે ખાતીપુરાથી બપોરે ૧૨:૪૦ કલાકે ઉપડશે અને બીજા દિવસે બુધવારે સવારે ૬:૪૦ કલાકે ઉત્રાણ પહોંચશે.

આ વિશેષ ટ્રેન બંને દિશામાં અંકલેશ્ર્વર, ભરૂચ, વડોદરા, ગોધરા, દાહોદ, રતલામ જંક્શન, મંદસૌર, નીમચ, ચિત્તોડગઢ, ભીલવાડા, બિજયનગર, નસીરાબાદ, અજમેર, મદાર, કિશનગઢ અને જયપુર સહિતનાં સ્ટેશનો પર રોકાશે.

ટ્રેનમાં મુસાફરોની સુવિધા માટે એસી ૨-ટિયર, એસી ૩-ટિયર, સ્લીપર તથા દ્વિતીય શ્રેણીના સામાન્ય કોચની વ્યવસ્થા કરવામાં આવી છે.

બુકિંગ ૬ નવેમ્બરથી શરૂ થશે : ટ્રેન નંબર ૦૯૧૩૧નું બુકિંગ ૬ નવેમ્બર ૨૦૨૬થી તમામ પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ (PRS) કાઉન્ટરો તેમજ IRCTC ની સત્તાવાર વેબસાઇટ પર શરૂ થશે. આ ટ્રેન વિશેષ ભાડા પર દોડાવવામાં આવશે. મુસાફરો ટ્રેનના સમય, સ્ટોપેજ અને કોચની સંરચના અંગેની વધુ માહિતી માટે ભારતીય રેલવેની વેબસાઇટwww.enquiry.indianrail.gov.in પર માહિતી મેળવી શકશે.

આ વિશેષ ટ્રેનથી પંચમહાલ અને દાહોદ સહિતના વિસ્તારોના રાજસ્થાન તરફ મુસાફરી કરતા મુસાફરોને વધારાની સુવિધા મળશે.