
સુરતના સચિન ચેકપોસ્ટ નજીક ભયાનક અકસ્માત થયો છે. ચેકપોસ્ટ પાસે ટ્રક-ટેમ્પોની ટક્કર બાદ ટેમ્પો પલટવામાં આવ્યો છે. ટેમ્પો પલટતા યુવતીનું મોત થયું છે અને ૧૪ ઇજાગ્રસ્ત છે. બે ઇજાગ્રસ્તોની સ્થિતિ ગંભીર હોવાથી તેમને સિવલમાં ખસેડવામાં આવ્યા છે.
ટેમ્પોમાં સવાર લોકો પલસાણા કથા પૂરી કરીને આવી રહ્યા હતા. તેઓ કથા પૂરી કરીને આવી રહ્યા હતા ત્યારે તેમને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં ૨૭ વર્ષીય નીરુ પ્રજાપતિ નામની મહિલાનું મોત થયું છે. અકસ્માતના પગલે ટ્રકનો ડ્રાઇવર ટ્રક મૂકીને ભાગી ગયો હતો.
સુરતમાં થયેલો આ અકસ્માત એટલો ભયાનક હતો અને ટ્રકચાલક અને ટેમ્પો બંને બેફામ ચલાવતા હતા તેમ અકસ્માતને નજરે જોનારાઓનું કહેવું છે. તેના કારણે આ અકસ્માત સર્જાયો હતો. જો બંનેમાંથી કોઈની પણ સ્પીડ કાબૂમાં હોત તો આટલો મોટો અકસ્માત થયો ન હોત. અકસ્માતના પગલે લોકોના ટોળેટોળા વળ્યા હતા અને તેઓએ ટેમ્પોને સીધો કરીને ઇજાગ્રસ્તોને મદદ કરી હતી. તેઓની મદદના કારણે વધુ જાનહાનિ થતી અટકાવી શકાઈ હતી. ઘટનાસ્થળે પહોંચેલા સ્થાનિકોએ તરત જ ૧૦૮ એમ્બ્યુલન્સને પણ ફોન કર્યો હતો અને તેના પગલે એમ્બ્યુલન્સે ઘટનાસ્થળે ઇજાગ્રસ્તોને સારવાર આપી હતી અને વધુ ઇજા પામનારાઓને હોસ્પિટલ ખસેડ્યા હતા. ગંભીરઇજા પામનારાઓને સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવના પગલે તરત જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે ધસી આવી હતી.
તેમણે ઘટનાસ્થળે મૃત્યુ પામેલા નીરુબેનનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે સિવિલ ખસેડ્યો હતો અને પંચનામુ પણ કર્યુ હતુ. તેની સાથે રસ્તા પરથી અકસ્માતગ્રસ્ત વાહન બચાવીને ટ્રાફિક ક્લિયર કર્યો હતો. પોલીસે મૃતકના કુટુંબીઓને અકસ્માત મોતની જાણકારી મળતા તેઓ હોસ્પિટલે પહોંચ્યા હતા અને હોસ્પિટલમાં રોકક્કળનું વાતાવરણ સર્જાઈ ગયું હતું. આખું વાતાવરણ ગમગીન બની ગયુ હતુ. હોસ્પિટલમાં હાજર ઇજાગ્રસ્ત મુસાફરોના કુટુંબો પણ શોકગ્રસ્ત થઈ ગયા હતા. યુવા મહિલાના મોતના કારણે કુટુંબમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું.