શહેરા તાલુકા પંચાયત ખાતે ધારાસભ્ય જેઠાભાઈ આહિરના હસ્તે પીડિત પશુપાલકને સહાયનો ચેક એનાયત કરાયો

ડેમલી ગામે વીજળી પડતાં ભેંસ ગુમાવનાર પશુપાલકને પશુમૃત્યુ સહાયનો ચેક સુપ્રત કરાયો.

ચોમાસાની ઋતુ દરમિયાન કુદરતી હોનારત કે અકસ્માતનો ભોગ બનતા પશુપાલકોને આર્થિક ટેકો મળી રહે તે માટે સરકાર દ્વારા પશુમૃત્યુ સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંતર્ગત શહેરા તાલુકાના ડેમલી ગામે વીજળી પડવાથી ભેંસ ગુમાવનાર ગરીબ પશુપાલકને તંત્ર દ્વારા ઝડપી કાર્યવાહી કરી સહાય મંજૂર કરવામાં આવી હતી. શહેરા તાલુકા પંચાયત કચેરી ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં ધારાસભ્ય જેઠાભાઈ આહિરના વરદહસ્તે અરજદારને પશુમૃત્યુ સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

ચોમાસાની ચાલુ ઋતુ દરમિયાન શહેરા તાલુકાના ડેમલી ગામે કડાકા-ભડાકા સાથે પડેલા વરસાદ વચ્ચે વીજળી ત્રાટકવાની ઘટના બની હતી. આ કુદરતી આફતમાં ગામના રહવાસી ડામોર ઈશ્વરભાઈ સુરમાભાઈની દૂધાળી ભેંસ પર વીજળી પડતાં તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. આકસ્મિક રીતે પોતાના આજીવિકાના મુખ્ય સાધન સમાન પશુ ગુમાવતાં ઈશ્વરભાઈ ડામોર પર આર્થિક સંકટ આવી પડ્યું હતું. પશુપાલક દ્વારા સરકારી નિયમોનુસાર સહાય મેળવવા માટે તાલુકા પંચાયત ખાતે અરજી કરવામાં આવી હતી. તાલુકા પંચાયત તંત્ર દ્વારા જરૂરી પંચનામું અને કાગળોની ચકાસણી પૂર્ણ કરીને ઝડપથી સહાય મંજૂર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.ત્યારબાદ તાલુકા પંચાયતની કચેરી ખાતે યોજાયેલા ચેક વિતરણ કાર્યક્રમમાં શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ આહિરના હસ્તે પીડિત પશુપાલક ડામોર ઈશ્વરભાઈને સરકાર તરફથી મળતી પશુમૃત્યુ સહાયનો ચેક સન્માનપૂર્વક સુપ્રત કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ વિક્રમસિંહ પગી, ઉપપ્રમુખ હાજાભાઈ ચારણ તેમજ તાલુકા વિકાસ અધિકારી જય શુકલ ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય અને પદાધિકારીઓએ પશુપાલકને સાંત્વના પાઠવી હતી અને જણાવ્યું હતું કે, “સરકાર પશુપાલકો અને ખેડૂતોના હિત માટે સદાય કટિબદ્ધ છે. આવી કુદરતી આપદા સમયે શાસન અને પ્રશાસન પીડિત પરિવારની સાથે ઊભું રહે છે. સમયસર આર્થિક સહાય મળતાં પશુપાલક ઈશ્વરભાઈ ડામોરે તાલુકા પંચાયત તંત્ર અને ધારાસભ્ય તેમજ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.