ચેલાવાડા ગ્રામસભામાં સરપંચ પતિના વહીવટનો મુદ્દો ફરી ગરમાયો

મહિલા સરપંચના બદલે તેમના પતિ વહીવટ કરતા હોવાના આક્ષેપો; અગાઉ પણ બે વખત ગ્રામસભા મોકૂફ રાખવાની સ્થિતિ સર્જાઈ હોવાનો સભ્યોનો દાવો.

ઘોઘંબા તાલુકાના ચેલાવાડા ગામે યોજાયેલી ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં મહિલા સરપંચના બદલે તેમના પતિ દ્વારા વહીવટી કામગીરી કરવામાં આવતી હોવાના આક્ષેપોને લઈને ફરી એકવાર વિરોધનો વંટોળ ઊઠ્યો છે. ગ્રામ પંચાયતના કેટલાક સભ્યોએ આ મુદ્દો નવો નહીં પરંતુ છેલ્લા કેટલાક સમયથી ચાલી આવતો હોવાનું જણાવી અગાઉ યોજાયેલી ઓચિંતી ગ્રામસભામાં પણ આ મુદ્દે ભારે વિરોધ થયો હોવાનો દાવો કર્યો છે.

સભ્યોના જણાવ્યા મુજબ, અંદાજે ત્રણ મહિના અગાઉ યોજાયેલી ઓચિંતી ગ્રામસભામાં પણ મહિલા સરપંચના બદલે તેમના પતિ વહીવટ કરતા હોવાનો મુદ્દો ઉઠ્યો હતો. આ મુદ્દે સભ્યો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને અગાઉ બે વખત આ જ મુદ્દાને લઈને ગ્રામસભા મોકૂફ રાખવાની સ્થિતિ સર્જાઈ હોવાનો પણ સભ્યોનો આક્ષેપ છે.

સભ્યોને જખજ મારફતે જાણ કરાતી હોવાનો આક્ષેપ : ગ્રામ પંચાયતના સભ્યોએ વધુમાં આક્ષેપ કર્યો છે કે, ગ્રામસભા કે સામાન્ય સભા યોજાવાની જાણકારી તમામ સભ્યોને સત્તાવાર રીતે સમયસર મળતી નથી. તેમના જણાવ્યા મુજબ, મહિલા સરપંચના પતિ દ્વારા કેટલાક સભ્યોને જખજ મારફતે સભાની જાણ કરવામાં આવે છે, જેના કારણે અન્ય સભ્યોને સમયસર માહિતી ન મળતાં તેઓ બેઠકથી વંચિત રહી જતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

સભ્યોનો એવો પણ આક્ષેપ છે કે, ગ્રામસભા યોજાય તે પહેલાં તેના આયોજન અંગેની માહિતી છેલ્લી ઘડીએ આપવામાં આવે છે અને કેટલાક પ્રસંગોએ આગલા દિવસના અંત સુધી સભાની વિગતો ગુપ્ત રાખવામાં આવતી હોવાના કારણે તમામ સભ્યોની હાજરી રહેતી નથી.

એજન્ડા અંગે પણ સવાલો ઉઠ્યા : સભ્યો દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે, સરપંચ અને તલાટી-કમ-મંત્રી દ્વારા સરપંચ સાથે સંબંધિત અથવા નજીકના લોકોની સહીઓ મેળવી એજન્ડા અંગેની કાર્યવાહી પૂર્ણ દર્શાવવામાં આવતી હોવાની નોંધ ચોપડે કરવામાં આવે છે. આ અંગે પણ યોગ્ય તપાસ થવી જોઈએ તેવી માંગ સભ્યો દ્વારા કરવામાં આવી છે.

તલાટી સમક્ષ રજૂઆત છતાં કાર્યવાહી નહીં થયાનો આક્ષેપ : મહિલા સરપંચના બદલે તેમના પતિ વહીવટી કામગીરી કરતા હોવાની રજૂઆત વારંવાર તલાટી-કમ-મંત્રી સમક્ષ કરવામાં આવી હોવા છતાં કોઈ યોગ્ય કાર્યવાહી કે રજૂઆત તાલુકા અથવા જીલ્લા કક્ષાએ કરવામાં આવી ન હોવાનો આક્ષેપ ગ્રામ પંચાયતના સભ્યોએ કર્યો છે.

સભ્યોના જણાવ્યા પ્રમાણે, સામાન્ય સભા તેમજ ગ્રામસભામાં બહુમતીથી આ મુદ્દે રજૂઆત કરવામાં આવી હોવા છતાં તેમની રજૂઆત ઉપર ધ્યાન આપવામાં આવ્યું નથી. જો આ પ્રકારની રજૂઆતો વારંવાર કરવામાં આવી હતી તો તેને તાલુકા વિકાસ તંત્ર અથવા જીલ્લા કક્ષાએ કેમ પહોંચાડવામાં આવી નહીં તે પણ તપાસનો વિષય બન્યો છે.

ચેલાવાડા ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી ગ્રામસભા અને સામાન્ય સભાની કાર્યવાહી નિયમો મુજબ થાય તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિ દ્વારા જ વહીવટી કામગીરી થાય તેવી માંગ કરવામાં આવી છે. સમગ્ર મામલે સંબંધિત તાલુકા અને જીલ્લા કક્ષાના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે તો હકીકત સ્પષ્ટ થઈ શકે તેમ છે.