
અમદાવાદમાં મતદાર યાદીની પ્રક્રિયા અને વોટચોરીના આરોપોને લઇને ગુજરાત કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ મતદાર યાદીમાં પારદર્શિતા જાળવવાની, મતદારોના અધિકારોનું રક્ષણ કરવાની અને ચૂંટણી પ્રક્રિયા અંગે ઊભા થયેલા સવાલોનો જવાબ આપવાની માંગણી કરી હતી. આ દરમિયાન કોંગ્રેસ દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાના નેતૃ¥વમાં અમદાવાદમાં નેહરૂ બ્રિજથી સરદાર બાગ સુધી કોંગ્રેસ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, “ચૂંટણી પંચ સ્વાયત સંસ્થા છે. તટસ્થતા અને પારદર્શી રીતે ચૂંટણી પ્રક્રિયા કરવી એ તેની બંધારણીય જવાબદારી છે પરંતુ મોદી સરકારે ચૂંટણી પંચને પોતાની કઠપૂતળી બનાવી દીધી છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના માધ્યમથી મોટા પ્રમાણમાં ચાલતા વોટચોરીના કૌભાંડનો પર્દાફાશ થયો છે. લોકશાહી બચાવવા, વોટચોરીના ષડયંત્ર સામે વિરોધ કરવામાં આવ્યો હતો.
કોંગ્રેસ નેતા તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી છેલ્લા બે વર્ષથી આરોપો કરતા આવ્યા છે કે ચૂંટણી પંચની કામગીરી નિષ્પક્ષ નથી. વોટ ચોરી થઈ રહી છે. જ્ઞાનેશ કુમારના સાથીઓ પણ આ વાત કહી રહ્યા છે. ચૂંટણીમાં મતદાર યાદીનું મહત્વ ખૂબ જ વધારે હોય છે તેમાં ગેરરીતી ચાલી રહી છે. મતદાર યાદીમાં નામ હોવું એ મતદાન કરવા માટેની મૂળભૂત આવશ્યકતા છે. આવી સ્થિતિમાં મતદાર યાદીમાં નામ ન હોવું, ખોટી વિગતો હોવી અથવા નામ કમી થવા જેવા મુદ્દાઓ મતદારો માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.