
સુરેન્દ્રનગર જિલ્લામાં ગ્રેડ પેમાં વધારો કરવાની માગ સાથે ૫૦થી વધુ સર્વેયરો હડતાલ ઉપર ઉતર્યા છે. તેમની માંગ છે કે સરકાર દ્વારા જે ગ્રેડ પે વધારાની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે, તેનો તાત્કાલિક અમલ કરવામાં આવે. મુખ્યમંત્રી દ્વારા વર્ષ ૨૦૨૫માં ગ્રેડ પે વધારવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી હોવા છતાં, આજદિન સુધી તેનો અમલ કરવામાં આવ્યો નથી. જેને લઈને રાજ્યભરના સર્વેયરોમાં રોષ જોવા મળી રહ્યો છે અને તેના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લાના સર્વેયરો પણ છેલ્લા ૧૮ દિવસથી હડતાલ ઉપર છે.
સર્વેયરોની હડતાલના કારણે સૌથી મોટી અસર પ્રોપર્ટી કાર્ડની કામગીરી ઉપર પડી છે. પ્રોપર્ટી કાર્ડ કઢાવવાની તમામ કામગીરી છેલ્લા ૧૮ દિવસથી બંધ છે. પ્રોપર્ટી કાર્ડ ન નીકળવાના કારણે અનેક લોકોના મહત્વના કામો અટકી પડ્યા છે. ખાસ કરીને બેંક લોન લેવા માટે પ્રોપર્ટી કાર્ડ ફરજિયાત હોય છે, ત્યારે પ્રોપર્ટી કાર્ડ ન મળતા બેંક લોનની પ્રક્રિયા પણ અટકી ગઈ છે. ઉપરાંત મિલકતમાં નામ ટ્રાન્સફર કરવા, વારસાઈ નોંધ દાખલ કરવા જેવી કામગીરી પણ સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે. એટલું જ નહીં, નવી નોંધો પાડવી, જમીન માપણીની અરજીઓનો નિકાલ કરવો, હદ નક્કી કરવી જેવી કામગીરી પણ સર્વેયરોની હડતાલના કારણે અટકી ગઈ છે. રોજના સેંકડો અરજદારો સીટી સર્વે કચેરીએ આવીને પરત ફરી રહ્યા છે. ૧૮ દિવસથી તેઓ ધક્કા ખાઈ રહ્યા છે, છતાં તેમના કામનો કોઈ નિકાલ આવતો નથી.
સુરેન્દ્રનગર સીટી સર્વે ભવન ખાતે રોજ સવારથી જ અરજદારોની લાંબી કતારો જાવા મળે છે. પરંતુ કચેરીમાં સર્વેયર હાજર ન હોવાથી કર્મચારીઓ દ્વારા એવું કહેવામાં આવે છે કે, હડતાલ ચાલુ છે એટલે કામ થશે નહીં. જેના કારણે અરજદારોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા લોકોને તો વધુ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેઓ ભાડું ખર્ચીને શહેર સુધી આવે છે અને કામ ન થતા નિરાશ થઈને પરત ફરે છે.
સર્વેયર મંડળના આગેવાનોનું કહેવું છે કે, અમે છેલ્લા ઘણા વર્ષોથી ગ્રેડ પે વધારવાની માંગ કરી રહ્યા છીએ. અમારી કામગીરી ખૂબ જ મહ¥વની છે. જમીન માપણી, નકશા બનાવવા, પ્રોપર્ટી કાર્ડ આપવા જેવી તમામ ટેકનિકલ કામગીરી અમારા દ્વારા કરવામાં આવે છે. છતાં અમારો ગ્રેડ પે ખૂબ જ ઓછો છે. સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધા બાદ પણ તેનો ઠરાવ બહાર પાડવામાં આવતો નથી. જ્યાં સુધી અમારી માંગ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી અમે હડતાલ યથાવત રાખીશું.
બીજી તરફ સરકાર દ્વારા હજુ સુધી આ મામલે કોઈ નક્કર નિર્ણય લેવામાં આવ્યો નથી. જેના કારણે આ હડતાલ ક્યારે પૂરી થશે તે અંગે કોઈ ચોક્કસ કહી શકાતું નથી. પરંતુ જો આ હડતાલ આમ જ લાંબી ચાલશે તો જિલ્લાની મહેસૂલી કામગીરી ઉપર તેની ગંભીર અસર પડશે.
હાલની પરિસ્થિતિ જાતા સરકાર દ્વારા તાત્કાલિક આ મામલે હસ્તક્ષેપ કરી સર્વેયરોની માંગણીઓ સાંભળવામાં આવે અને તેમનો ગ્રેડ પે વધારવાનો ઠરાવ બહાર પાડવામાં આવે તે ખૂબ જ જરૂરી બન્યું છે, જેથી અરજદારોને પડતી હાલાકીમાંથી મુક્તિ મળી શકે.
સુરેન્દ્રનગર સીટી સર્વે ભવનની કચેરીમાં ફરજ બજાવતા સર્વેયર રવીદાન ગઢવી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ૧૮ દિવસથી હડતાલ ઉપર બેઠા છીએ સરકાર દ્વારા એક વખત મંત્રણા કરવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, ગ્રેડ પેમાં વધારો કરવાની માંગણી યોગ્ય છે, ત્યારે છ મહિના પછી વધારી આપવામાં આવશે, પરંતુ આ મંજૂર નથી જેને લઇને હડતાલ હજુ પણ યથાવત છે.