ખંભાતના પાધરીયા વિસ્તારમાં નાસતા ફરતા આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં બે પોલીસ જવાનોને સામાન્ય ઇજા થઇ હતી. સમગ્ર મામલે ખંભાત સિટી પોલીસે ૫૪ નામજાગ અને ૩૦ અજાણ્યા મળી કૂલ ૮૪ લોકો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. ઘટના બાદ વિસ્તારમાં હાથ ધરાયેલા કોમ્બીંગ દરમિયાન ૨૩ જેટલા આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા મુજબ, અગાઉ રાહુલ ભટ્ટ નામના વ્યક્તિ પર થયેલા જીવલેણ હુમલાના ગુનામાં સંડોવાયેલા અક્ષય ઉર્ફે લલ્લો નગીનભાઈ ચુનારા વિરુદ્ધ પાસા અને તડીપારના હુકમો કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ આરોપી નાસતો ફરતો હતો. દરમિયાન ૨૮ સપ્ટેમ્બરની રાત્રે અક્ષય ઉર્ફે લલ્લો પોતાના ઘરે હાજર હોવાની બાતમી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, આણંદ અને ખંભાત સિટી પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસ ટીમ ખંભાતના પાધરીયા વિસ્તારમાં તેને ઝડપી પાડવા પહોંચી હતી.
પોલીસ ફરિયાદ મુજબ, આરોપીને પકડવાની કાર્યવાહી દરમિયાન સ્થિતિ વણસી હતી. અક્ષય ઉર્ફે લલ્લો ચુનારા, તેના સાગરીતો તેમજ આસપાસના કેટલાક લોકોએ પોલીસ ટીમ પર પથ્થરમારો કર્યો હોવાનો આરોપ છે. આ ઘટનામાં બે પોલીસ કર્મચારીઓને સામાન્ય ઈજા પહોંચી હતી.
પોલીસ પર હુમલાની ઘટના બાદ ખંભાત સિટી પોલીસ સ્ટેશનમાં રાયોટિંગ અને જાહેર સેવક પર હુમલા સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. અક્ષય ઉર્ફે લલ્લો ચુનારા સહિત ૫૪ નામજાગ તેમજ ૩૦ અજાણ્યા વ્યક્તિઓને આરોપી તરીકે દર્શાવી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.ખંભાતના પાધરીયા વિસ્તારમાં નાસતા ફરતા આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો
આ સમગ્ર મામલે ખંભાતના ઇન્ચાર્જ ડીવાયએસપી હરદેવસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, ઘટના બાદ પોલીસે પાધરીયા વિસ્તારમાં સઘન કોમ્બીંગ હાથ ધર્યું હતું. આ કાર્યવાહી દરમિયાન ૨૩ જેટલા આરોપીઓની અટકાયત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. અન્ય આરોપીઓની ભૂમિકા અને સમગ્ર ઘટનાક્રમ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.