
શહેરા પરીક્ષેત્ર વન અધિકારી વી.જી. ગઢવીની સૂચના અને માર્ગદર્શન હેઠળ વન વિભાગની ટીમ દ્વારા નાઇટ પેટ્રોલિંગ દરમિયાન લીંબોદ્રા ગામેથી લાકડા ભરેલું એક બિનવારસી ટ્રેક્ટર-ટ્રોલી મળી આવતા કચેરી ખાતે લાવીને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
શહેરા વન વિભાગનો રેન્જ સ્ટાફ તથા ગુણેલી રાઉન્ડ સ્ટાફની ટીમ ગ્રામ્ય વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન રાત્રિએ લીંબોદ્રા ગામેથી પસાર થતા આર.સી.સી. રોડ પર એક શંકાસ્પદ ટ્રેક્ટર ઊભેલું નજરે પડ્યું હતું. વન વિભાગની ટીમે નજીક જઈને તપાસ કરતા ટ્રેક્ટર તથા તેની પાછળ જોડેલી ટ્રોલી બંને પર કોઈ નંબર પ્લેટ નહોતી. વધુ બારીકાઈથી તપાસ કરતા ટ્રોલીમાં લીલા તાજા ‘પંચરાઉ’ જાતના લાકડા ભરેલા મળી આવ્યા હતા. ટ્રેક્ટરની આસપાસ તેમજ આજુબાજુના વિસ્તારમાં વાહનના ડ્રાઇવર કે તેના માલિકની સઘન શોધખોળ હાથ ધરવામાં આવી હતી.સ્થળ પર કોઈ વાહનમાલિક કે જવાબદારી સ્વીકારનાર વ્યક્તિ ન મળી આવતા વન વિભાગે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. વન વિભાગની ટીમ દ્વારા લીલા લાકડા તેમજ નંબર પ્લેટ વગરનું ટ્રેક્ટર અને ટ્રોલી મળી કુલ આશરે અઢી લાખ પિયા નો મુદ્દામાલ બિનવારસી હાલતમાં જપ્ત કરવામાં આવ્યો હતો. જપ્ત કરાયેલ મુદ્દામાલને આગળની વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે શહેરા રેન્જ કચેરીના કંપાઉન્ડ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
આ લાકડા ક્યાંથી કાપવામાં આવ્યા હતા અને તે ક્યાં લઈ જવામાં આવી રહ્યા હતા તે અંગે શહેરા વન વિભાગ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. વન વિભાગની આ ત્વરિત કાર્યવાહીથી લાકડાની ચોરી કરતા ભૂમાફિયાઓમાં ફાળ પડી છે.