સંખેડા તાલુકાના અરીઠા અને ગોવિંદપુરાથી રતનપુર થઈ કોટાલી તરફ જતી માઇનોર કેનાલમાં સફાઈના અભાવે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. શિયાળુ અને ઉનાળુ પાક માટે સિંચાઈના પાણીની જરૂરિયાત હોવા છતાં કેનાલની સફાઈ કરાઈ નથી. પાણી પણ છોડવામાં આવ્યું નથી.
હાલ ખેતરોમાં કપાસ સહિતના પાકની વાવણી કરવામાં આવી છે. દિવસેને દિવસે ગરમી વધતી હોવાથી ઊભા પાકને બચાવવા સમયસર સિંચાઈ કરવી જરૂરી બની છે. પરંતુ કેનાલ સૂકી રહેતાં ખેડૂતોને પાણી મળતું નથી. મોંઘા ખર્ચે તૈયાર કરેલા પાક નિષ્ફળ જવાની ભીતિ ઊભી થઈ છે.
આ અંગે ખેડૂત ઠાકોરભાઈ રોહિતે રોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે તંત્ર દ્વારા કેનાલની સફાઈ કરવામાં આવી નથી. કેનાલમાં ઝાડી-ઝાંખરાં અને કચરો જામી ગયો છે. પાણી છોડવામાં આવે તો પણ તે આગળ કેવી રીતે પહોંચશે તે મોટો સવાલ છે.
ખાસ કરીને રતનપુરથી કોટાલી સુધીના છેવાડાના ખેડૂતોને હજુ સુધી સિંચાઈનું પાણી મળ્યું નથી. જેના કારણે ખેડૂતોમાં નિરાશા અને આક્રોશ જોવા મળી રહ્યો છે.
ખેડૂતો રાત-દિવસ મહેનત કરીને પાક તૈયાર કરી રહ્યા છે. પરંતુ સિંચાઈના પાણીના અભાવે તેઓ મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક કેનાલની સફાઈ કરાવી રતનપુર અને કોટાલી સુધી પાણી પહોંચાડવામાં આવે તેવી ખેડૂતોની માગ ઊઠી છે.