પંચમહાલ જીલ્લામાં શાળા સમય દરમિયાન અન્ય સંગઠન દ્વારા સંકુલ કે તાલુકા કક્ષાએ સંગઠન પર્વ ની ઉજવણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેને લઈને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા ગંભીર વાંધો ઉઠાવવામાં આવ્યો છે અને જીલ્લા શિક્ષણાધિકારી (DEO) સમક્ષ લેખિત રજૂઆત કરી છે.
રજૂઆતમાં જણાવ્યા મુજબ, હાલમાં ધોરણ-૧૦ (S.S.C.) અને ધોરણ ૧૨ (H.S.C.)ની પરીક્ષાઓ ચાલી રહી છે. તેમજ દિવાળી વેકેશન પહેલાં ઉત્તરવહીઓની ચકાસણી અને અન્ય શૈક્ષણિક-વહીવટી કામગીરી સમયસર પૂર્ણ કરવાની હોય છે.
આવા મહત્ત્વપૂર્ણ સમયે આચાર્યો, શિક્ષકો અને કર્મચારીઓ કાર્યક્રમમાં હાજર રહે તો શાળાનું શિક્ષણ કાર્ય તેમજ પરીક્ષા વ્યવસ્થા જોખમાઈ શકે છે અને વિદ્યાર્થીઓના હિત પર પ્રતિકૂળ અસર પડી શકે છે. જેથી શૈક્ષણિક મહાસંઘે સ્પષ્ટ કર્યું છે કે, વિદ્યાર્થીઓના હિતો સર્વોપરી છે. જેથી શાળા સમય કે પરીક્ષાઓ દરમિયાન શિક્ષણ કાર્યમાં ખલેલ પહોંચાડે તેવા કાર્યક્રમો સામે તેમનો સખત વિરોધ છે.
જો શાળા સમય પૂરો થયા બાદ કે લાગુ પડતા નિયમો મુજબ કાર્યક્રમ યોજાય તો તેમને કોઈ વાંધો નથી. આથી વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ પરીક્ષા આપી શકે અને શિક્ષકો પોતાની કામગીરી સમયસર પૂર્ણ કરી શકે તે માટે યોગ્ય સૂચનાઓ આપવા માંગ કરી છે.