
અમદાવાદ મ્યુનિ.માં છેલ્લા કેટલાય સમયથી વહીવટી તંત્ર કઈ રીતે અને કઈ દિશામાં ચાલી રહ્યું છે તેની ભાળ લેવાની તસ્દી શાસક ભાજપ દ્વારા લેવામાં આવતી નથી, તેના કારણે મ્યુનિ.માં નાણાંકીય બાબતોને લગતાં નિયમો અભરાઈએ ચઢાવી દેવાયા છે અને અવારનવાર ઉચાપત જેવા કિસ્સા નોંધાઈ રહ્યાં છે. જોકે, કેટલાક કિસ્સા દબાવી દેવાયા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
મ્યુનિ.ના વિશ્વસનીય સૂત્રોનાં જણાવ્યા અનુસાર, રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકામાં દરરોજ લાખો રૂપિયાની લેવડદેવડ થતી હોય છે, જેમાં ખાસ કરીને સિટી સિવિક સેન્ટર અને અન્ય ખાતાઓનો સમાવેશ થાય છે. એલિસબ્રિજના વર્તમાન ધારાસભ્ય જ્યારે અમદાવાદના મેયર અને કોર્પોરેટર હતા ત્યારે તેમણે જ મ્યુનિ. બોર્ડમાં ઊભા થઈને જ્યાં પણ નાણાંકીય લેવડદેવડ થતી હોય ત્યાં કોન્ટ્રાક્ટનાં કર્મચારી રાખવા જોઈએ નહીં અને આ પ્રકારની જવાબદારી કાયમી કર્મચારીઓને જ સોંપવી જોઈએ તેવું સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું. તેમ છતાં આજની તારીખે પણ અનેક જગ્યાએ કોન્ટ્રાકટના કર્મચારીઓ જ નાણાંકીય લેવડદેવડ કરે છે!
અગાઉ નવો પશ્ચિમ ઝોન અમલમાં હતો ત્યારે બે ચાર કર્મચારીએ ભેગા થઈ લાખોની ઉચાપત કરી હતી. તેવી જ રીતે તાજેતરમાં ફાયર બ્રિગેડમાં મૂકાયેલાં એસ્ટેટ ખાતાના સહાયક કક્ષાનાં કર્મચારીએ પણ લાખો રૂપિયાની ઉચાપત કરી છે. આ સિવાય મ્યુનિ.માં કાયમી કર્મચારીઓ અને અધિકારીઓ માટે પણ નાણાંકીય બાબતોને લગતા ચોક્કસ નિયમો છે, પરંતુ તેનું પાલન કરાવવામાં આંખ આડા કાન કરવામાં આવે છે. મ્યુનિ.કર્મચારી કે અધિકારી નિવૃત્ત થવાનાં હોય તેનાં ૩ મહિના પહેલાં તેમની પાસેથી ફાઈનાન્શીયલ પાવર લઈ લેવાનો નિયમ છે, પરંતુ કેટલાક કિસ્સામાં નિવૃત્તિ સુધી ફાઈલો ઉપર સહી થયાનાં આક્ષેપો છે.
મ્યુનિ.ની આવકમાંથી ઉચાપત સહિતનાં કૌભાંડ રોકવા માટે નાણાં ખાતાએ તમામ વિભાગોને જે કંઈ આવક થતી હોય તેની રિસિપ્ટ-નોંધણી ઓનલાઈનથી કરવા અને અરજદારોને પણ ઓનલાઈનનાં માધ્યમથી રિસિપ્ટ આપવા સૂચના આપી છે. જ્યાં પણ હાથથી લખીને રિસિપ્ટ આપવામાં આવતી હોય તે વિભાગોએ પંદર દિવસમાં તમામ આવક એમ-ચલણ અને ઓનલાઈન સ્વીકારવાની કાર્યવાહી કરવાની રહેશે. મેન્યુઅલ રિસિપ્ટ બનાવાય તો તેની સઘળી જવાબદારી જે તે વિભાગની ગણાશે.