રાજકોટમાં સગીરાઓની સુરક્ષાને લઈને ચિંતાજનક કિસ્સો સામે આવ્યો છે. રૈયાધાર વિસ્તારમાં રહેતી ધોરણ-૧૧ની ૧૬ વર્ષીય વિદ્યાર્થિનીને પ્રેમજાળમાં ફસાવી એક યુવકે એક વર્ષના સમયગાળામાં ૨૨ વખત દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આરોપીએ સગીરાના ફોટા અને વીડિયો ઉતારી લીધા બાદ તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી વારંવાર શારીરિક શોષણ કર્યું હોવાનો પણ આક્ષેપ છે. પોલીસે આ મામલે આરોપી દીપ હમીરભાઈ મિયાત્રાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, રૈયાધાર વિસ્તારમાં રહેતી ૧૬ વર્ષની વિદ્યાર્થિની ધોરણ-૧૧માં અભ્યાસ કરે છે. આશરે એક વર્ષ પહેલાં નવરાત્રિ દરમિયાન તેની એક બહેનપણી મારફતે દીપ મિયાત્રા સાથે ઓળખાણ થઈ હતી. ત્યારબાદ આરોપીએ સગીરા સાથે વાતચીત શરૂ કરી ધીમે-ધીમે મિત્રતા કેળવી હતી અને પ્રેમસંબંધના નામે તેનો વિશ્વાસ જીત્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.
ફરિયાદ મુજબ, આરોપી સગીરાને રાજકોટ ઉપરાંત દ્વારકા અને સાસણ સહિતનાં સ્થળોએ ફરવા લઈ ગયો હતો. આ દરમિયાન આશરે એક વર્ષના સમયગાળામાં અલગ-અલગ પ્રસંગોએ કુલ ૨૨ વખત દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આરોપીએ સગીરાના ફોટા અને વીડિયો ઉતારી લીધા હતા. ત્યારબાદ આ ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેવાની ધમકી આપી સગીરાને ડરાવી વારંવાર શારીરિક શોષણ કર્યું હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.
સોશિયલ મીડિયા અને પરિચયના માધ્યમથી સગીરાઓ સાથે સંપર્ક કેળવી વિશ્વાસનો દુરુપયોગ થતો હોવાના કિસ્સાઓ વાલીઓ અને સમાજ માટે ચિંતાનો વિષય બન્યા છે. બાળકો સાથે સતત સંવાદ જાળવવો, અજાણ્યા લોકો સાથેની આનલાઇન અને આફલાઇન ઓળખાણ અંગે જાગૃતિ કેળવવી તથા કોઈપણ પ્રકારની ધમકી કે શોષણની જાણ થતાં તાત્કાલિક યોગ્ય પગલાં લેવાં કેટલાં જરૂરી છે, તે આ ઘટનાએ ફરી એકવાર ઉજાગર કર્યું છે.