
ગોમતીપુરના રાજપુર તોલનાકા પાસે, કાંકરિયા ઈસ્ટ મેટ્રો સ્ટેશન અને સેન્ટ જાસેફ હાઇસ્કૂલ સામે આવેલી ‘શ્રમજીવી ગ્રાહક સહકારી ભંડાર લિમિટેડ’ હાલ ભારે વિવાદમાં ઘેરાઈ છે. ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે ફાળવવામાં આવતા સરકારી રાશનમાં કટકી કરાતી હોવાના ગંભીર આક્ષેપો સાથેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સ્થાનિક સ્તરે ભારે ચર્ચા જાગી છે.
સ્થાનિક લાભાર્થીઓના આક્ષેપ મુજબ, દુકાન સંચાલક અને ઈરફાન નામના એક ખાનગી શખસ દ્વારા ગરીબોના હકનું અનાજ ચાઉં કરવામાં આવી રહ્યું છે. કાર્ડધારકોને મળવાપાત્ર કુલ જથ્થામાંથી દર વખતે ૨થી ૫ કિલો જેટલું ઓછું અનાજ આપવામાં આવતું હોવાની બૂમ ઊઠી છે. જ્યારે વાજબી ભાવના ગ્રાહકો પૂરા અનાજ અંગે પૂછપરછ કરે છે, ત્યારે “પાછળથી જ સ્ટોક ઓછો આવ્યો છે” તેવો જવાબ આપીને લોકોને રવાના કરી દેવાતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
ગરીબી રેખા હેઠળ જીવતા પરિવાર માટે થોડું અનાજ પણ આખા મહિનાના ચૂલાનો આધાર હોય છે. જાહેર વિતરણ વ્યવસ્થામાં ડિજિટલ મશીનો હોવા છતાં જો માપનમાં જ ગરબડ કરીને ગરીબોના અધિકાર સાથે ચેડાં થતા હોય, તો તે સમગ્ર વિતરણ વ્યવસ્થાની નીતિમત્તા સામે મોટો પ્રશ્નાર્થ છે.
સોશિયલ મીડિયા પર સ્થાનિકોએ વીડિયો વાયરલ કર્યો છે, ત્યારે સ્થાનિક નાગરિકો માગ કરી રહ્યા છે કે પુરવઠા વિભાગ માત્ર કાગળ પર તપાસ કરવાને બદલે દુકાનનો ભૌતિક સ્ટોક, આવક-જાવકના રજિસ્ટર, ઈ-પીઓએસ ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી અને ગ્રાહકોના રેકોર્ડનું સ્વતંત્ર ઓડિટ કરે. જો તપાસમાં ગેરરીતિ સાબિત થાય તો જવાબદારો સામે કડક ફોજદારી કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાગ પ્રબળ બની છે.