
ગુજરાત સહિત દેશનાં અલગ-અલગ રાજ્યોમાં સાયબર ઠગાઈના નાણાંની હેરાફેરી કરતા શંકાસ્પદ નેટવર્કનો બાવલુ પોલીસે પર્દાફાશ કર્યો છે. કડીના મેડા આદરજ ગામ પાસેથી એક યુવકને ઝડપી તેની પાસેથી વિવિધ બેંકોનાં ૪૫ એટીએમ કાર્ડ મળી આવ્યાં હતાં. તેની પૂછપરછના આધારે કલોલમાં રહેતા દંપતીના ઘરે દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાંથી મોટી સંખ્યામાં બેંક પાસબુક, ચેકબુક,એટીએમ કાર્ડ, મોબાઇલ ફોન અને સિમકાર્ડ જપ્ત કરાયાં હતાં. પોલીસ તપાસમાં આ નેટવર્ક સાથે સંકળાયેલા બેંક ખાતાઓમાં રૂ. ૬.૧૫ કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારો અને દેશનાં અલગ-અલગ રાજ્યોમાં સાયબર ઠગાઈની ૩૪ ફરિયાદો સામે આવી છે.
બાવલુ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ ૯ જુલાઈ, ૨૦૨૬ના રોજ ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન મેડા આદરજ ગામથી કલોલ તરફ જતા માર્ગ પર એક યુવક એક્સેસ સ્કૂટર પૂરઝડપે ચલાવતો જાવા મળ્યો હતો. પોલીસને જાઈને તે શંકાસ્પદ રીતે ભાગવા લાગતાં પોલીસે તેને કોર્ડન કરીને ઝડપી લીધો હતો.પૂછપરછમાં યુવકની ઓળખ ઠાકોર વિપુલજી ઉર્ફે ભોણો શંભુજી ગાંડાજી (ઉંમર ૨૨ વર્ષ, મૂળ ઉવારસદ, ગાંધીનગર; હાલ રહે. મેડા આદરજ, કડી) તરીકે થઈ હતી. સ્કૂટરની ડેકીમાંથી વિવિધ બેંકોનાં ૪૫ એટીએમ કાર્ડ એક મોબાઇલ ફોન અને એક સિમકાર્ડ મળી આવ્યાં હતાં. પોલીસે આશરે રૂ. ૨૦ હજારનું સ્કૂટર અને રૂ. ૫ હજારનો મોબાઇલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં વિપુલજીએ જણાવ્યું હતું કે તેના ગામનો ચંદ્રકાન્ત વિનુભાઈ મકવાણા હાલ દુબઈમાં રહે છે. ચંદ્રકાન્ત તેને ફોન કરીને બેંકિંગ કીટ કલોલમાં રહેતા પાર્થકુમાર દરજી અને તેમની પત્ની ફાલ્ગુનીબેન સુધી પહોંચાડવાનું કહેતો હતો. ત્યારબાદ તેમની પાસેથી છ્સ્ કાર્ડ મેળવી ખાતામાંથી નાણાં ઉપાડવા અને અન્ય ખાતાઓમાં જમા કરાવવાની કામગીરી સોંપવામાં આવતી હતી. તપાસ મુજબ, એક ખાતામાંથી નાણાં ઉપાડીને બીજા ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવતાં હતાં. મોટી રકમ એકત્ર થયા બાદ તેને આંગડિયા મારફતે મોકલવામાં આવતી હોવાની વિગતો પણ સામે આવી છે. આ કામગીરી બદલ વિપુલજીને કમિશન મળતું હતું અને તેણે અત્યાર સુધીમાં આશરે રૂ. ૧૫થી ૨૦ લાખની હેરાફેરી કરી હોવાની માહિતી પોલીસ તપાસમાં મળી છે.
વિપુલજી પાસેથી મળેલી માહિતીના આધારે પોલીસે કલોલમાં રહેતા પાર્થકુમાર રમેશભાઈ દરજી અને તેમની પત્ની ફાલ્ગુનીબેનના ઘરે દરોડો પાડ્યો હતો. અહીંથી વિવિધ બેંકોની પાસબુકો, ચેકબુકો, એટીએમ કાર્ડ, સિમકાર્ડ અને મોબાઇલ ફોન સહિતનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ, દંપતી દુબઈમાં રહેતા ચંદ્રકાન્ત અને તેના ભાઈ જીતુભાઈની સૂચના મુજબ આ કામગીરી કરતું હોવાની શંકા છે. ફાલ્ગુનીબેન મોબાઇલમાં બેંકિંગ એપ્લિકેશન ખોલીને પાસવર્ડના આધારે ઓનલાઈન નાણાકીય વ્યવહારો કરવામાં મદદ કરતાં હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ કામ બદલ તેમને દર મહિને રૂ. ૨૦ હજાર કમિશન મળતું હોવાની વિગતો પણ સામે આવી છે. આ ઉપરાંત થોળના રોબિન નામના શખ્સને પણ કેટલાક મોબાઇલ ફોન સોંપવામાં આવ્યા હોવાની માહિતી મળી છે.પોલીસે કબજે કરેલી બેંક પાસબુકો અને અન્ય દસ્તાવેજાના આધારે સંબંધિત ખાતાઓનાં સ્ટેટમેન્ટ મેળવ્યાં હતાં. તેમાં કુલ રૂ. ૬,૧૫,૬૧,૨૦૮ના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો સામે આવ્યા છે.આ પૈકીનાં કેટલાંક ખાતાંમાં સાયબર ઠગાઈનાં નાણાં જમા થયાં હોવાની વિગતો મળી હતી.આ પ્રકરણમાં વિપુલજી, પાર્થકુમાર દરજી, ફાલ્ગુનીબેન દરજી, દુબઈમાં રહેતા ચંદ્રકાન્ત વિનુભાઈ મકવાણા અને જીતુ મકવાણા ઉપરાંત થોળના રોબિન, રાજકોટના હેમાંગ ગંગદેવ તથા શુભમ નામના શખ્સોની સંડોવણી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.