ગુજરાતમાં નબળા ચોમાસાને કારણે ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે. સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના વિસ્તારોમાં ઓછા વરસાદથી દુકાળ જેવી સ્થિતિ સર્જાઈ છે. કપાસ અને મગફળી જેવા રોકડિયા પાક નિષ્ફળ જવાની ભીતિ, દેવાનું ભારણ અને પશુધન માટે ઘાસચારાની ચિંતાએ ખેડૂતોની મુશ્કેલીઓ વધારી છે. આ સ્થિતિ વચ્ચે જામનગર જિલ્લાના જાડિયા તાલુકાના વાવડી ગામ અને અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં બે ખેડૂતોએ આત્મહત્યા કરી લેતાં ખેડૂતોની સ્થિતિ અંગે ચિંતા ઊભી થઈ છે.
જામનગર જિલ્લાના જાડિયા તાલુકાના વાવડી ગામમાં રહેતા ૪૭ વર્ષીય ખેડૂત હેમંત મકવાણાને પશુધન માટે ઘાસચારો અને પરિવારના ભરણપોષણની ચિંતા સતાવતી હતી. આ ઉપરાંત, ખેતરમાં કપાસનો પાક નિષ્ફળ જવાની ભીતિ પણ હતી. આ પરિસ્થિતિ વચ્ચે તેમણે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
આવી જ ઘટના અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં બની હતી. શ્રમજીવી નગરમાં રહેતા ૫૫ વર્ષીય કનુભાઈ ઊનાવા ભાગીદારીમાં ખેતર રાખીને ખેતી કરતા હતા. કપાસનો પાક થશે કે નહીં અને માથે ચડેલું દેવું કેવી રીતે ચૂકવવું તેની ચિંતામાં તેમણે ખેતરમાં જ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બે ખેડૂતોની આત્મહત્યાની ઘટનાઓથી પંથકમાં ચકચાર મચી છે.
રાજ્ય સરકારે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર અને કચ્છ જિલ્લામાં દુષ્કાળ જાહેર કર્યો છે. જોકે, ૫૦ ટકાથી ઓછો વરસાદ નોંધાયો હોય તેવા વિસ્તારોમાં સિંચાઈના પાણીની અછતને કારણે ખેતી પર વ્યાપક અસર પડી રહી છે. શિયાળુ પાકની સિઝન શરૂ થઈ રહી છે ત્યારે પણ ખેડૂતો સિંચાઈના પાણી માટે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
ખેડૂતોને સિંચાઈનું પાણી પૂરું પાડવા અંગે સરકારે લેખિત આદેશ દ્વારા ના પાડી દીધી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પાણીના અભાવે પાક નિષ્ફળ જવાની ભીતિ વચ્ચે ખેડૂતોને ફરી આર્થિક નુકસાન વેઠવાનો વારો આવી શકે છે. દિવાળીના તહેવારો દરમિયાન પણ આર્થિક સંકડામણને કારણે અનેક પરિવારો માટે ઘરખર્ચ અને તહેવારની ઉજવણી મુશ્કેલ બની રહી છે.
સૌરાષ્ટ્રના ખેડૂતો મુખ્યત્વે કપાસ અને મગફળી જેવા પાક પર નિર્ભર છે. વરસાદ ખેંચાતાં પાકને નુકસાન થવાની ભીતિ વધી છે. બીજી તરફ, પાકના યોગ્ય ભાવ ન મળવા અને દેવું ચૂકવવાની ચિંતાને કારણે ખેડૂતો આર્થિક સંકટમાં સપડાઈ રહ્યા છે. ખેડૂતોની આત્મહત્યાના તાજેતરના કિસ્સાઓમાંથી ૫૦ ટકાથી વધુ કિસ્સા સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી નોંધાયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. એક તરફ ખેડૂતો નબળા ચોમાસા, સિંચાઈના પાણીની અછત અને પાક નિષ્ફળ જવાના જાખમનો સામનો કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા એકતા દિનની ઉજવણીના આયોજનને લઈને પણ સવાલો ઊભા થઈ રહ્યા છે.