પ્રકાશના પર્વ દિવાળી પહેલાં નસવાડી તાલુકાના બગલિયા ગ્રામ પંચાયત હેઠળનાં આઠ ગામોમાં ૨૦૦ સોલાર સ્ટ્રીટલાઇટ સ્થાપિત કરવામાં આવતાં ગામડાંઓ રોશનીથી ઝળહળી ઊઠ્યાં છે. અંધકારમાં જીવતા ગ્રામજનોને ઘરઆંગણે તેમજ જાહેર સ્થળોએ પ્રકાશની સુવિધા મળતાં ખુશી વ્યાપી છે.
LIC હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડના સહયોગથી દીપક ફાઉન્ડેશન, વડોદરા દ્વારા અમલમાં મૂકાયેલા HRIDAY પ્રોજેક્ટ અંતર્ગત આ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ગામના રસ્તાઓ તેમજ જાહેર સ્થળોએ રાત્રિના સમયે પ્રકાશની સુવિધા ઉપલબ્ધ થતાં ગ્રામજનોની અવરજવર સરળ બનશે.
ખાસ કરીને મહિલાઓ, વૃદ્ધો, ખેડૂતો તેમજ ખેતમજૂરોને અંધકારને કારણે પડતી મુશ્કેલીઓમાં રાહત મળશે. રાત્રિના સમયે રસ્તાઓ સ્પષ્ટ દેખાશે. સુરક્ષાની ભાવના પણ વધશે. જંગલી પ્રાણીઓ સાથે અચાનક સામનો થવાની સંભાવના ધરાવતા વિસ્તારોમાં પણ આ વ્યવસ્થા ઉપયોગી બનશે.
આ પહેલની વિશેષતા એ છે કે તેમાં સોલાર ઊર્જા જેવી સ્વચ્છ અને નવીનીકરણીય ઊર્જાનો ઉપયોગ કરાયો છે. તેનાથી પરંપરાગત વીજળી પરની નિર્ભરતા ઘટશે. પર્યાવરણમિત્ર સુવિધાઓને પ્રોત્સાહન મળશે. દિવાળીના પર્વ પહેલાં ગામોમાં અજવાળું થતાં ગ્રામજનોએ ખુશી વ્યક્ત કરી હતી. સંસ્થાઓના સહયોગથી ગ્રામ્ય વિસ્તારોમાં પાયાની સુવિધાઓ વિકસાવવાનો આ પ્રયાસ સ્થાનિક લોકો માટે ઉપયોગી બન્યો છે.